Aam Aadmi partyના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિધાનસભા ખાતે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આજથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે, પરંતુ ફક્ત ત્રણ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ અનેક મોટા પ્રશ્નો ઊભા છે પરંતુ આ પ્રશ્નો વિશે ચર્ચા કરવા માટે કોઈ મુદત આપવામાં આવી નથી. આજે ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની નોકરી માટે આંદોલન કરી રહ્યા છે, વનકર્મીઓ આંદોલન કરી રહ્યા છે.
આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા ત્યારે અમે જોયું કે આખુ ગાંધીનગર છાવણીમાં ફેરવાઈ ગયું હોય. ગુજરાતની જનતા પોતાની વાત રજૂ કરવા માટે ગાંધીનગર આવતી હોય છે પરંતુ સરકાર ડરતી હોય તેમ આખા ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે. ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે? લોકોના બંધારણીય અધિકાર કેમ દબાવવામાં આવે છે?
આજે આદિવાસી વિસ્તાર સહિત તમામ ગુજરાતમાં ખાનગીકરણ વધી રહ્યું છે. શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી. 73 AAની જમીનોના કૌભાંડ આજે દિવસેને દિવસે બહાર આવી રહ્યા છે. અનુસૂચિત જનજાતિના જાતિના પ્રમાણપત્રની બાબત હોય કે સિંચાઈની બાબત હોય કે ગુજરાતમાં દિવસ અને દિવસે વધતા મહિલા અત્યાચારની બાબત હોય, આવા દરેક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર આજે અમારે વિધાનસભામાં પ્રશ્ન પૂછવાના હતા પરંતુ ફક્ત ત્રણ દિવસની વિધાનસભાનું સત્ર બોલાવીને સરકારે આ તમામ પ્રશ્નોની દબાવવાનો કોશિશ કરી છે. આ ફક્ત વિપક્ષ સાથે ન્યાય નથી, પરંતુ ગુજરાતની સમગ્ર જનતા સાથે અન્યાય છે.