સુરત: પાંડેસરા વિસ્તારમાં જૂની અદાવત અને ગાંજાના વેપારના વિવાદને લીધે એક યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, વડોદ ગામના રહેવાસી સંદીપ ઉર્ફે તીસરી રાકેશસિંહ રાજપૂત (ઉં.વ. 32) પર રીઢો ગુનેગાર અવધેશ સહાની અને તેના સાથીઓએ છરી વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ, અવધેશ હાલમાં જ પાસા હેઠળ જેલમાંથી છૂટ્યો હતો અને તેને સંદીપના કારણે જ જેલ જવું પડ્યું હતું. આ જૂની અદાવતને લીધે તેણે સંદીપની હત્યા કરી.

ઘટના સમયે સંદીપ વડોદ ગામમાં પોતાના ઘર નજીક ભોલ ટોકીઝ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અવધેશ અને તેના સાથીઓ ત્યાં પહોંચ્યા અને સંદીપના હાથ, પેટ અને પીઠ પર છરીના અનેક ઘા માર્યા. સંદીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આજે સવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. મૃતક સંદીપ અગાઉ લૂંટના પ્રયાસના કેસમાં પણ પકડાયો હતો. પોલીસ આ મામલે અવધેશ અને તેના સાથીઓની ધરપકડ માટે સતત દરોડા પાડી રહી છે.
રિપોર્ટ અનુસાર, અવધેશની વિરોધી ગેંગ કુલદીપ અને સૂરજ કાલિયાની ગેંગને કારણે તેને સંદીપના કારણે પાસામાં જવું પડ્યું હોવાની શંકામાં તેણે સંદીપની હત્યા કરી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ ગાંજાના વેપારની અદાવતમાં રાજ માલીની હત્યા થઈ ચૂકી છે. હવે અવધેશ સહાનીએ પણ જૂના વિવાદ અને જેલમાં જવાની શંકામાં સંદીપની હત્યા કરી છે.