ભાવનગર: ભાવનગર રેલવે ડિવિઝનમાં લીલિયા મોટા-સાવરકુંડલા સેક્શન વચ્ચે પીપાવાવ Port જતી ગુડ્સ ટ્રેનને બ્રેક લગાવી લોકો પાયલટે સિંહને બચાવ્યો હતો.
ફોરેસ્ટ ગાર્ડ ઘટનાસ્થળે દોડી ગયા : સિગ્નલ મળ્યા બાદ ટ્રેન ગંતવ્ય સ્થાન તરફ રવાના થઈ
ભાવનગરના ડીઆરએમ રવીશકુમારે જણાવ્યું કે, ગઈ કાલ તા. ૧૭ને રવિવારે લોકો પાયલટ રામ બહાદુર વર્મા (મુખ્ય મથક- સુરેન્દ્રનગર) અને સહાયક લોકો પાયલટ મોહમ્મદ હનીફ ખાન (મુખ્ય મથક-બોટાદ) એ લીલિયા મોટા-સાવરકુંડલા સેક્શન વચ્ચે કિ.મી. નંબર ૪૭/૧૬ ના બ્રિજનં. ૨૮ પર જ્યારે ૧ એશિયાટીક સિંહને રેલવે ટ્રેકની ખૂબ નજીક ચાલતો જોયો, ત્યારે પીપાવાવ Port તરફ જતી ગુડ્સ ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવીને રોકી દીધી હતી. આ ઘટનાનું ટ્રેન મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતાં જ ફોરેસ્ટ ગાર્ડ થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચી ગયા અને જોયું કે સિંહ પુલ પરથી નીચે આવી ગયો હતો. ત્યારબાદ તમામ સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળતા ફોરેસ્ટ ગાર્ડ મહિપતભાઈ દ્વારા લોકો પાઈલટને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું હતું. પ્રસ્થાન સિગ્નલ મળ્યા બાદ, ટ્રેનને લોકો પાયલોટ દ્વારા ગંતવ્ય સ્થાન (પીપાવાવ પોર્ટ) તરફ લઈ જવામાં આવી હતી. માહિતી મળતાં એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.