Dwarkaમાં વિજયાદશમીની ઉજવણી કરાઈ હતી. જગત મંદિરે રાજાધિરાજ દ્વારકાધીશજીને વિશિષ્ઠ શસ્ત્રોનો શૃંગાર કરાયો હતો. જ્યારે જગત મંદિરેથી ઠાકોરજીના બાલ સ્વરૂપ ગોપાલજીની પાલખી યાત્રા વાજતે ગાજતે યોજાઈ હતી. પાલખીયાત્રા જગન્નાથ મંદિરે પહોંચ્યા બાદ ત્યાં સમી વૃક્ષનું પૂજન કરાયું હતું.
Dwarkaના જગત મંદિરમાં આજરોજ દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકાના રાજાધિરાજ દ્વારકાધીશને શસ્ત્રોથી સજ્જ સ્વરુપમાં વિશિષ્ટ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યો હતો. જગત મંદિરના પૂજારીના જણાવ્યાનુસાર વિશેષ દિવસોમાં ઠાકોરજીને જડાવી ધારણ કરવામાં આવે છે. જેમાં ઠાકોરજી શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરે છે. દશેરામાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રનું પૂજન કરાતું હોય રાજાધિરાજ પણ દ્વારકાના રાજા હોય વિશેષ વસ્ત્ર પરિધાન અને તલવાર તથા ઢાલ ધારણ કરાવવામાં આવ્યા હતાં.
જગત મંદિરેથી ઠાકોરજીના બાલસ્વરુપ ગોપાલજી મહારાજની પાલખી યાત્રા યોજાઈ હતી. જગત મંદિર મુખ્ય ગેટ પાસે દ્વારકા મંદિર સુરક્ષા પોલીસ જવાનો દ્વારા ગોપાલજીની પાલખી યાત્રાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોપાલજીની પાલખી યાત્રા પૂજન સામગ્રી સાથે ઢોલ-નગારાના નાદ સાથે શહેરના ખારા હનુમાન પાસે જગન્નાથ મદરે પહોંચી હતી. ત્યાં વેપારી અને પૂજારી આનંદભાઈ ઉપાધ્યાય દ્વારા સમી વૃક્ષની પૂજન વિધિ કરી હતી.