Bhavnagar: દુર્ઘટનાને પગલે પોલીસ, વહીવટી તંત્ર અને સ્થાનિકો ઘટના સ્થળે ભેગા થયા છે અને મુસાફરોની રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ છે. આ ઘટના બાદ બસમાં સવાર મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ છે.

ભાવનગરનાં કોળિયાક ગામે એક ગોઝારી ઘટના બની છે.  ભારે વરસાદની આગાહીના પગલે ભાવનગરના અમુક તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નદીઓ વહેવા લાગી છે. કોળિયાક ગામ નજીક આવેલા પુલ પાસેનાં નાળામાં તમિલનાડુ પાસિંગની બસ ખાબકી હતી. આ બસ નાળામાં ખાબકતા એકાએક પાણીનો પ્રવાહ આવી જતા બસ પાણીમાં જ ફસાઈ ગઈ છે. 

બસમાં ડ્રાઇવર સહિત કુલ 28 મુસાફરો ફસાયેલા છે. મુસાફરોનાં રેસ્ક્યૂ માટે તરવૈયાઓની ટીમ પહોંચી ગઈ છે. જો કે, બસમાંથી 27 જેટલા મુસાફરોને ટ્રકમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા બસમાં ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે.