CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રિંઝા ગામ ખાતે સાબરમતી નદી પર નવા પુલનું રૂપિયા 110 કરોડના ખર્ચે નિર્માણ કરવાની મંજૂરી આપી છે.
તારાપુર તાલુકાના રિંઝા, નભોઈ, પચેગામ અને દુગારી ગામોના લોકોએ સાબરમતી નદીનું વહેણ બદલાવાને કારણે ચોમાસામાં સામે કાંઠે જઈ શકાતું ન હોવાની તથા સંપર્ક વિહોણા થઈ જતા હોવાની રજૂઆત મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરી હતી.
CM Bhupendra Patel આ રજૂઆતનો સંવેદના પૂર્ણ પ્રતિસાદ આપતા ટુ લેન બ્રિજ સહિત પથ રેખા પર 4 કિ.મી.નો નવો રસ્તો બનાવવા જમીન સંપાદન, બાંધકામ પૂર્વે હાઈડ્રોલિક સર્વે, સોઈલ ઈન્વેસ્ટિગેશન અને આલેખન જેવી બાંધકામ પહેલાની પ્રવૃત્તિઓ સહિતના સંભવિત ખર્ચ માટે સમગ્રતયા 110 કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ આપી છે.
ચોમાસા દરમિયાન નદીનું વહેણ બદલાવાથી સંપર્ક વિહોણા થઈ જતાં આ ગામોની વર્ષો જુની સમસ્યાનું નિવારણ આ પુલનું બાંધકામ પૂર્ણ થતાં આવી જશે અને વાહન વ્યવહાર તેમજ ખેત ઉદ્યોગ અને ઈઝ ઓફ લિવિંગ માટે આ પુલ આશિર્વાદ રૂપ બનશે.





