સુરત: ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) એ પશ્ચિમ ઝોનમાં મુસાફરોની સુવિધા વધારવા માટે 7 આધુનિક રેલ નીર પ્લાન્ટ શરૂ કર્યા છે. આ પ્લાન્ટમાં મહારાષ્ટ્રના અંબરનાથ (જ્યાંથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના સ્ટેશનો પર પુરવઠો થાય છે), નાગપુરના બુટીબોરી, મધ્યપ્રદેશના મનેરી અને મંડી દીપ, રાજસ્થાનના કુબેર એક્સટેન્શન રામપુર, ગુજરાતના સાણંદ અને ભુસાવળ ઔદ્યોગિક વિસ્તારના પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ પ્લાન્ટ્સમાંથી દરરોજ લાખો બોટલો તૈયાર કરીને મુસાફરોને સુરક્ષિત અને હાઈજેનિક પેક્ડ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના રેલવે સ્ટેશનો પર અંબરનાથ રેલ નીર પ્લાન્ટમાંથી પુરવઠો કરવામાં આવે છે, જ્યાં દરરોજ લગભગ 1 લાખ 74 હજાર બોટલો તૈયાર થાય છે. અન્ય પ્લાન્ટ્સમાંથી દરરોજ આશરે 72 હજાર બોટલો બનાવવામાં આવે છે. IRCTC વેસ્ટ ઝોન, મુંબઈના ગ્રુપ જનરલ મેનેજર ગૌરવ ઝાએ જણાવ્યું કે, રેલ નીર પ્લાન્ટ્સ મુસાફરોને સ્વચ્છ અને સુરક્ષિત પેક્ડ પાણી પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ રેલવે સેવાઓને વિશ્વસ્તરીય બનાવવાના અમારા પ્રયાસોનો એક ભાગ છે. આ હેઠળ રેલ નીર પ્લાન્ટનો વિસ્તાર પણ કરવામાં આવી રહ્યો છે.