આણંદના ખાનપુર નજીકથી પસાર થતી મહી નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના ચાર લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યાનો કરુણ બનાવ બન્યો છે. મળતી માહિતી મુજબ ગામડી ગામના પરિવારના લોકો મહી નદીમાં ન્હાવા માટે ગયા હતા. ત્યારે એક મહિલા ડૂબવા લાગતા અન્ય ત્રણ સભ્યો પણ તેમને બચાવવા માટે ગયા હતા. જો કે, તેઓને તરતા ન આવડતું હોય તમામના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી ચારેય મૃતદેહોનો બહાર કાઢવામાં આવ્યા હતા.

ગામડી ગામમાં મસ્જીદની સામે રહેતાં વાઘેલા પરિવારના પાંચ સભ્યો આજરોજ ખાનપુર નજીકથી પસાર થતી મહિસાગર નદીમાં નહાવા માટે ગયાં હતાં. તેઓ નદીમાં નહાતા હતાં તે દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાં વૈશુબેન રાજેશભાઈ સોલંકી તણાઈને ડુબવા લાગ્યાં હતાં. જેથી સુરેશભાઈ ઈશ્વરભાઈ વાઘેલા, પ્રકાશભાઈ બાબુભાઈ વાઘેલા અને જ્યોતિબેન પ્રકાશભાઈ વાઘેલા પોતાના જાનની પરવા કર્યાં વિના આ વૈશુબેનને બચાવવા ગયાં હતાં. જોકે, તરતાં ન આવડતું હોવાથી આ ત્રણેય જણાં પણ પાણીમાં ડુબી ગયાં હતાં​​​​​​​

ઘટનાની જાણ થતાં આણંદ ફાયરબ્રિગેડની ટીમ રેસક્યું બોટ તેમજ તરવૈયાઓને લઈને સ્થળ પર જવા રવાના થઈ હતી. જોકે, ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ સ્થાનિક તરવૈયાઓએ આ ચારેયના મૃતદેહોને નદીના પાણીમાંથી બહાર કાઢી લીધાં હતાં.

ખાનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં ગત રવિવારે આણંદ અને લાંભવેલનાં બે યુવકો ડુબી જવાની ધટનાની શાહી સુકાઈ નથી ત્યાં આજે વધુ ચાર જણા ડુબી જવાની ઘટના બની છે. રેતી માફિયાઓ દ્વારા નદીમાં રેતીખનન માટે ઠેરઠેર ખાડાઓ કરી દેવાનાં કારણે નદીમાં નહાવા જતા લોકો આ ખાડાઓમાં ઉતરી જવાનાં કારણે અવારનવાર નહાવા જતા લોકો ડુબી જવાની ધટનાઓ બની રહી છે.