Awaas Yojana News: વડાપ્રધાનશ્રીના આદિજાતિ વિકાસના સંકલ્પને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પી.એમ. જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન અંતર્ગત આદિજાતિ વિસ્તારોમાં સરકારી યોજનાઓના લાભના સેચ્યુરેશનને વેગ આપવામાં આવશે. તેનો સીધો લાભ ૬૩,૦૦૦ જેટલા ગામોના ૫ કરોડથી વધુ આદિજાતિ લાભાર્થીઓને મળશે. ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોના આદિજાતિ બાંધવોને પણ તેનો વ્યાપક લાભ મળશે.
મુખ્યમંત્રીશ્રીએ આ બજેટને રાજ્યના ઉદ્યોગોને વેગ આપતું બજેટ ગણાવ્યું છે. આ અંગે તેમણે કહ્યું કે, ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં એમ.એસ.એમ.ઈ. એ બેકબોન સમાન છે અને આ બજેટમાં કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓથી એમએસએમઈ સેક્ટરને બુસ્ટ મળશે. એટલું જ નહિ,એમ.એસ.એમ.ઇ. અને લેબર ઇન્સેન્ટીવ ઉત્પાદન એકમો પર આ બજેટમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે.
તેમણે મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રના એમ.એસ.એમ.ઈ. માટે ક્રેડિટ સ્કીમ શરૂ કરવામાં આવી છે તેમજ આ સ્કીમથી મશીનરી અને સાધનોની ખરીદી માટે ગેરંટી વિનાની લોન માટે પણ સ્કીમ શરૂ થવાની છે તેને પણ આવકારગદાયક ગણાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ મુદ્રા લોન હાલના ૧૦ લાખથી વધારીને ૨૦ લાખ કરવાની જોગવાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્ર સરકાર, ૫ વર્ષોમાં ૧ કરોડ યુવાઓને ટોપની ૧૦૦ કંપનીઓમાં ઇન્ટર્નશીપની તકો પૂરી પાડશે. ૫ હજાર રૂપિયા પ્રતિ માસ એલાઉન્સ પણ મળશે. સાથે ૬ હજાર રૂપિયાની ૧ વખતની સહાય પણ અપાશે તેમજ કંપનીઓ તાલીમ ખર્ચ ઉપાડશે અને ૧૦ ટકા ઇન્ટર્નશીપ ખર્ચ સી.એસ.આર. ફંડમાંથી ભોગવશે તે બાબતને તેમણે આવકારી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બજેટમાં ઇન્વેસ્ટમેન્ટ રેડી, પ્લગ એન્ડ પ્લે ૧૦૦ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસિત કરવાની જોગવાઈ સંદર્ભમાં કહ્યું કે, નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ૧૨ નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મંજૂર કરવામાં આવશે. ગુજરાતના યુવા ઉદ્યોગકારોના ઉદ્યોગોને આના પરિણામે મોટું પ્રોત્સાહન મળશે તેમ તેમણે જણાવ્યું હતું.
બિનપરંપરાગત ઊર્જામાં રાજ્યના મિશનને વધુ વેગવાન બનાવવામાં પી.એમ. સૂર્યઘર મુફ્ત બિજલી યોજના – રૂફ ટોપ સોલાર પ્લાંટ માટે શરૂ કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ યોજનામાં ૧ કરોડ આવાસ ૩૦૦ યુનિટ સુધી મફત વિજળી મેળવી શકે તેવું લક્ષ્ય છે. આ યોજનાને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે અને ૧.૨૮ કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ૧૪ લાખ અરજીઓ આવી છે. ગુજરાત આ યોજનાના અમલમાં પણ અગ્રેસર છે અને આ વર્ષના બજેટમાં અનર્જી સિક્યુરિટી માટેના પ્રાવધાનથી ગુજરાતની અગ્રેસરતા વધુ ગતિમય બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
નાણામંત્રીશ્રીએ આ વર્ષના બજેટમાં પગારદાર કર્મચારીઓ અને પેન્શનરોને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં આપેલી રાહતથી મધ્યમ વર્ગને મોટો આર્થિક લાભ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય નાણમંત્રીશ્રી દ્વારા એન્જલ ટેક્સ દૂર કરવાની જાહેરાતને ગુજરાતના નવા ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી દિશા મળશે એવી પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાથી ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વધુ વેગ મળશે તેમજ રૉ-ડાયમંડ માટે આ બજેટમાં જાહેર કરેલી જોગવાઈઓથી ડાયમંડ કટિંગ અને પોલિશીંગ ઇન્ડસ્ટ્રીને પણ પ્રોત્સાહન મળશે તેમ તેમણે જણાવ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭માં દેશ આઝાદીની શતાબ્દી ઉજવે ત્યા સુધીમાં ભારતને પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે સંકલ્પ કર્યો છે, તેને આ બજેટ સંપૂર્ણ રીતે પાર પાડશે જ એવા વિશ્વાસ સાથે મુખ્યમંત્રીશ્રીએ આવું સર્વસમાવેશી, સર્વપોષક અને લોકરંજક બજેટ આપવા માટે વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય નાણામંત્રીશ્રીનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો હતો.