ગુજરાતમાં નકલી ચીજવસ્તુઓનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. નકલી ગરમ મસાલા, નકલી ઈનો, નકલી જીરું અને નકલી મીઠું પછી હવે નકલી લસણ પકડાયું છે. સુરતની APMCમાંથી આ નકલી ચાઈનીઝ લસણ ઝડપાયું હતું. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. આ સિવાય તેને ખાવાથી કેન્સરનો ખતરો પણ રહે છે. તેમ ડોકટરોનું કહેવું છે.
ભારતમાં 2014થી ચાઈનીઝ લસણના વેચાણ પર પ્રતિબંધ છે. કારણ કે તેમાં અનેક પ્રકારના હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. સુરતની APMCમાંથી 2 હજાર 150 કિલો ચાઈનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત 10 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. ખેડૂતોની આજીવિકા અને લોકોના આરોગ્યની સુરક્ષા માટે ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે મોટા પ્રમાણમાં ચાઈનીઝ લસણનો જથ્થો જપ્ત થતા ખળભળાટ મચી ગયો છે.
ચાઈનીઝ લસણનો જથ્થો નાશ પામ્યો
સુરત APMCએ 2,150 કિલો ચાઈનીઝ લસણનો નાશ કર્યો છે. તેમજ આ લસણ અહીં કેવી રીતે પહોંચ્યું તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અહી ચાઈનીઝ લસણ સપ્લાય કરનાર આરોપીઓને શોધવા પોલીસે તપાસ પણ તેજ કરી છે. ચાઈનીઝ લસણ કેન્સરનું જોખમ વધારે છે.
સૌથી અગત્યનું ધાતુઓ, સીસું અને ક્લોરિનનો ઉપયોગ ચાઇનીઝ લસણ ઉગાડવામાં થાય છે. આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ લસણ દેખાવમાં સફેદ હોય છે અને તેમાં જાડી કળીઓ હોય છે. જો કે આ લસણની છાલ ઉતારવી સરળ છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ પ્રકારનું લસણ ખાવાથી ચેતાતંત્રને લગતી ગંભીર બીમારીઓ અને કેન્સરનું જોખમ પણ વધી શકે છે.
આ રીતે ઓળખવું અસલી અને નકલી લસણ
લસણ ખરીદતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમે અસલી અને નકલી લસણની ઓળખ કરી શકો છો.
સૌથી પહેલા જો બજારમાં સફેદ અને જાડું લસણ વેચાઈ રહ્યું હોય તો તેને ખરીદવાનું ટાળો. આ ચીની લસણ હોઈ શકે છે.
સ્થાનિક લસણની કળીઓ નાની અને ડાઘવાળી હોય છે અને છાલ બિલકુલ સફેદ હોતી નથી. તમે આ પ્રકારનું લસણ જોયા પછી ખરીદી શકો છો.
દેશી લસણની ઓળખ એ છે કે જો તમે લસણને ફેરવો અને નીચેની બાજુએ ડાઘ જુઓ તો તે સાચું લસણ છે.
જો લસણ જોયા પછી પણ તે સંપૂર્ણપણે સફેદ હોય તો તે નકલી ચાઈનીઝ લસણ હોઈ શકે છે.