સુરત: મુંબઈની એક ડેન્ટલ કંપનીના ત્રણ ડિરેક્ટરો સામે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં 2.08 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મુંબઈ સ્થિત પ્રોટેક્ટ કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ડો. નિલેશ દૂબે, ડો. ધીરજ દૂબે અને ડો. પુષ્પલતા દૂબેએ મળીને સુરતના એક વેપારી સાથે છેતરપિંડી આચરી હતી.

આરોપીઓએ પીડિતને જણાવ્યું હતું કે તેમની કંપની ડેન્ટલ પ્રોસ્થેસિસ (ક્રાઉન બ્રીજીસ) માટે ઝીર્કોનિયા ડિસ્કનું ઉત્પાદન કરે છે અને આ પ્રોડક્ટનું પેટન્ટ તેમની પાસે છે. તેમણે દાવો કર્યો હતો કે જો પીડિત રોકાણ કરશે તો સારો નફો મળશે. આ વાતે વિશ્વાસ કરીને પીડિતની કંપનીએ તેમના પ્રોજેક્ટમાં 2 કરોડ 8 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે, પાછળથી પીડિતે પ્રોજેક્ટ અંગે વાત કરવાનો અનેકવાર પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓએ સંપર્ક કરવાનું બંધ કરી દીધું.
પીડિતે તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપીઓને અમેરિકાની બીએન્ડડી ડેન્ટલ કોર્પ તરફથી કોઈ પેટન્ટ મળ્યું નથી. પીડિતે પોતાના રૂપિયા પરત માગ્યા, પરંતુ આરોપીઓએ રૂપિયા પરત ન આપ્યા. આથી પીડિતે તેમના લીગલ એડવાઇઝર નિહાલ ચૌબે દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.