વીતેલા ૨૪ કલાકમાં Ukai Damના ઉપરવાસમાં વરસાદ નોંધાતા ડેમમાં સવારે ૧.૨૮ લાખ ક્યુસેક પાણીનો જથ્થો ઠલવાયો હતો. જેથી ડેમમાંથી ૧.૧૯ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ ક્રમશઃ સાથે પાણીની આવક અને જાવક એક સમાન ૯૬ હજાર કયુસેક કરાતા ડેમની સપાટી ૩૩૯.૨૫ ફુટ નોંધાઈ હતી.
ઉપરવાસમાં વરસાદથી ૧.૨૮ લાખ ક્યુસેક આવરો : સાંજે ડેમના સાત ગેટ સાડા છ ફુટ ખોલી દેવાયા
Ukai Dam ના ઉપરવાસમાં મધ્યપ્રદેશ પર લો પ્રેસર સિસ્ટમ સક્રીય થતા મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.જેમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઈનગેજ સ્ટેશનો પૈકી ચીકલધરામાં ૫૦, લખીપુરીમાં ૧૦, અકોલામાં ૧૨, વાનખેડમાં૧૦, લુહારામાં ૧૭, ભુસાવળમાં ૧૦,સાયગાવમાં ૨૨, વેલ્દામાં ૨૯, ખેતીયામાં ૨૮, ઉકાઈમાં ૨૦, નિઝરમાં ૩૭, કુકરમુંડામાં ૬૦. ચોપડવાવમાં ૧૦૦ અને કાકડીઆંબામાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે.જેને લીધે હથનુર ડેમમાંથી ૪૦ હજાર ક્યુસેક તથા પ્રકાશા ડેમમાંથી ૪૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ઉકાઈમાં સવારે ૧૧ કલાકે ૧.૨૮ લાખ ક્યુસેક પાણીનો જથ્થો ઠલવાયો હતો. જેની સામે ૧.૧૯ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ. મોડી સાંજે પાણીની આવક-જાવક ૯૬ હજાર ક્યુસેક નોંધાઈ હતી.ડેમના સાત ગેટ છ ફુટ ખોલીને ૯૬ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતાં મોડી સાંજે ડેમની સપાટી ૩૩૯.૨૫ ફુટ નોંધાઈ છે.