Urvashi rautela: ઉર્વશી રૌતેલા સામાન્ય રીતે પોતાના નિવેદનોને કારણે સમાચારમાં રહે છે. પરંતુ આ વખતે ઉર્વશી તેના વિવાદોને કારણે નહીં પરંતુ તેની ફેશનને કારણે સમાચારમાં છે. તાજેતરમાં પૂર્ણ થયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા જ દિવસે, ઉર્વશી ૧૫૫ મિલિયન ડોલર એટલે કે ૧૩૦૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઘરેણાં અને તાજ પહેરીને પહોંચી હતી.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ હંમેશા ગ્લેમર અને ચમકનું કેન્દ્ર રહ્યું છે. કાન્સ 2025માં પણ બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પોતાની હાજરીથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ આ વખતે પણ, હંમેશની જેમ, ઉર્વશીના ડ્રેસની ચર્ચા ઓછી થઈ અને તેના ઘરેણાં અને તેના માથા પરના તાજની વધુ ચર્ચા થઈ. કારણ કે ઉર્વશીના નજીકના એક સૂત્રએ દાવો કર્યો છે કે અભિનેત્રીએ ૧૫૧ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧,૩૦૦ કરોડ રૂપિયાનો મુગટ અને ઘરેણાં પહેર્યા હતા. હકીકતમાં, કાન્સના પહેલા રેડ કાર્પેટ પર, ઉર્વશીએ જ્વેલરીના નામે તાજ અને કાનની બુટ્ટી પહેરી હતી અને તેણીએ પોપટ આકારનું પર્સ પણ પોતાની સાથે રાખ્યું હતું.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ઉર્વશી દ્વારા પહેરવામાં આવતા તમામ ઘરેણાંમાં તેનો તાજ સૌથી મોંઘો છે. કારણ કે માઈકલ સિન્કો દ્વારા બનાવેલા આ લીલા-વાદળી રંગના તાજની ખાસિયત એ છે કે તે વિશ્વના ઘણા મોંઘા હીરાથી જડિત છે. આ તાજમાં વપરાતા મુસેફ રેડ ડાયમંડ વિશે વાત કરીએ તો, આ હીરાને રેડ શિલ્ડ ડાયમંડ પણ કહેવામાં આવે છે. લાલ રંગના રેડ શિલ્ડ ડાયમંડની કિંમત 8 કરોડ રૂપિયાથી શરૂ થાય છે અને 150 કરોડ રૂપિયા સુધી જાય છે.

ઉર્વશીના મુગટમાં જડેલા ઓપનહેઇમર બ્લુ ડાયમંડ વિશે વાત કરીએ તો, આ વાદળી રંગના હીરાની શરૂઆતની કિંમત 35 મિલિયન ડોલર છે અને 2016 માં, 14.62 કેરેટનો ઓપનહેઇમર બ્લુ ડાયમંડ 57 મિલિયન ડોલરમાં વેચાયો હતો.

રેડ શિલ્ડ ડાયમંડ અને ઓપનહેઇમર બ્લુ ડાયમંડ ઉપરાંત, ડ્રેસ્ડન ગ્રીન ડાયમંડનો ઉપયોગ કાન્સમાં ઉર્વશી રૌતેલા દ્વારા પહેરવામાં આવેલા તાજમાં પણ કરવામાં આવ્યો હતો. આ હીરા ઘણી સદીઓથી જર્મનીના સેક્સોનીના રાજવી પરિવારના કબજામાં હતા અને તેની સાથે સંકળાયેલા ઇતિહાસને કારણે, આ હીરા અબજો ડોલરમાં વેચાય છે. ટિફની યલો ડાયમંડની વાત કરીએ તો, આ ફેન્સી કંપનીના એક હીરાની કિંમત $30 મિલિયન (લગભગ ₹249 કરોડ) થી વધુ હોવાનું કહેવાય છે. એટલે કે, જો ઉર્વશીએ આ હીરો વિશે કરેલો દાવો સાચો હોય, તો તેના માથા પરના મુગટની કિંમત ૧૩૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. આ તાજની સાથે, કાન્સના રેડ કાર્પેટ પર ઉર્વશીએ પહેરેલા ઘરેણાંની કિંમત 20 થી 25 લાખ રૂપિયા છે.

૬ લાખની કિંમતનો પોપટ

ઉર્વશીએ કાન્સના રેડ કાર્પેટ પર પોપટ જેવા પર્સ સાથે પ્રવેશ કર્યો. જુડિથ લીબર કંપનીના આ વોલેટની કિંમત પણ 6 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.