નેશનલ ક્રશ રશ્મિકા મંદાના માત્ર સાઉથ સિનેમામાં જ નહીં, પરંતુ હિન્દી સિનેમામાં પણ ખૂબ લોકપ્રિય બની છે. રશ્મિકા છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનો ભાગ રહી છે. તે છેલ્લે રણબીર કપૂર સ્ટારર બ્લોકબસ્ટર ‘એનિમલ’માં જોવા મળી હતી. ફિલ્મમાં તેનો અભિનય લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. અભિનેત્રી આ દિવસોમાં મુંબઈમાં છે. આ દરમિયાન અભિનેત્રીનો એક વીડિયો ચર્ચામાં છે. આ વીડિયોમાં રશ્મિકા મંદાના અટલ સેતુ પુલના વખાણ કરતી જોવા મળી રહી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. પીએમ એભિનેત્રીનો વીડિયો શેર કરી ગદગદ થઈ ગયા હતા.
તેની તાજેતરની મુંબઈ મુલાકાત દરમિયાન, તે ભારતમાં થયેલા વિકાસની જોરદાર પ્રશંસા કરતી જોવા મળી. રશ્મિકાના વીડિયોને શેર કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે તેઓ લોકોને જોડીને અને તેમનું જીવન સુધારીને સંતોષ મેળવે છે. વીડિયોમાં રશ્મિકા હાલમાં જ બનેલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર જોવા મળી રહી છે. હાર્બર લિંકને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે. આ વીડિયોમાં રશ્મિકા અટલ સેતુના વખાણ કરી રહી છે. તેણી કહે છે- જ્યાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે 2 કલાક લેતા હતા, હવે તેઓ માત્ર 20 મિનિટમાં ત્યાં પહોંચી શકે છે.
રશ્મિકાની આ પોસ્ટનો જવાબ આપતા પીએમ મોદીએ તેમના X એકાઉન્ટ પર લખ્યું, “ચોક્કસપણે! લોકોને જોડવા અને જીવનને બહેતર બનાવવાથી વધુ સંતોષકારક કંઈ નથી.” અભિનેત્રીએ તેના X હેન્ડલ પર ટ્રાન્સ હાર્બર લિંક પર મુસાફરી કરવાનો એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે એન્જિનિયરિંગ અજાયબી એક નવા ભારતના દરવાજા ખોલે છે. પોતાના વીડિયોમાં તેણે ભારતના વિકાસ અને ભવિષ્યની ખૂબ પ્રશંસા કરી.પોતાના દર્શકોને તે ભારતના વિકાસ માટે મત આપવાનું કહી રહી છે.
અભિનેત્રીએ કહ્યું કે, “નવી મુંબઈથી મુંબઈ, ગોવાથી મુંબઈ અને બેંગલુરુથી મુંબઈની મુસાફરી હવે ઘણી સરળ થઈ ગઈ છે. આ અદ્ભુત ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને ગર્વ થાય છે.” અભિનેત્રીએ વધુમાં કહ્યું કે હવે ભારતને વિકાસના મામલે કોઈ રોકી શકશે નહીં. હવે કોઈ એવું ના કહી શકે કે ભારતમાં આવું ન થઈ શકે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં ઘણો વિકાસ થયો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા મંદાના ટૂંક સમયમાં અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2 ધ રૂલ’માં જોવા મળશે. મેકર્સ આ ફિલ્મને સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ સાથે જ તેની પાસે સિકંદર નામની ફિલ્મ પણ છે. આમાં સલમાન ખાન લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન એઆર મુરુગાદોસ કરી રહ્યા છે.