Ranya Rao: દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવની સોનાની દાણચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અભિનેત્રી પોલીસ મહાનિર્દેશક (પોલીસ હાઉસિંગ કોર્પોરેશન) રામચંદ્ર રાવની પુત્રી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ સોમવારે રાત્રે કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પર સોનાની દાણચોરીના આરોપમાં તેમની ધરપકડ કરી હતી.

14.8 કિલો સોનું રાખવાનો આરોપ
અભિનેત્રી પર 14.8 કિલો સોનું રાખવાનો આરોપ હતો. મંગળવારે સાંજે તેને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, ત્યારબાદ અભિનેત્રીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. નાણાકીય ગુનાઓ માટે વિશેષ અદાલતના ન્યાયાધીશ દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવે તે પહેલાં અભિનેત્રીની બોરિંગ હોસ્પિટલમાં તબીબી તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાન્યાએ દાવો કર્યો હતો કે તે બિઝનેસ માટે દુબઈ જઈ રહી હતી.

ડીઆરઆઈને જાણવા મળ્યું કે તેણી છેલ્લા 15 દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી, જેના પગલે એજન્સીએ તેની હિલચાલ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. આ બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓ રણ્યાના આગમનના બે કલાક પહેલા 3 માર્ચે એરપોર્ટ પહોંચ્યા હતા. તે દુબઈથી અમીરાતની ફ્લાઈટમાં આવી હતી અને સોમવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ બેંગલુરુ એરપોર્ટ પર તેની અટકાયત કરવામાં આવી હતી.

અભિનેત્રી રાન્યા રાવે પ્રખ્યાત અભિનેતા સુદીપ સાથે ફિલ્મ ‘માણિક્ય’ (2014)માં કામ કર્યું છે. રાન્યા સંબંધિત આ સમાચારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ખળભળાટ મચાવી દીધો છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ આ બાબતની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.