Jacqueline Fernandez : દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જેક્વેલિન ફર્નાન્ડિઝને રાહત મળી નથી. આ અરજી સુકેશ ચંદ્રશેખર સંબંધિત 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દાખલ કરવામાં આવી હતી.
બોલીવુડ અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડિઝને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેક્વેલિનને હાઈકોર્ટ તરફથી રાહત મળી નથી. જેક્વેલિનએ ED દ્વારા દાખલ કરાયેલી FIR અને તેના પરના કોગ્નિઝન્સ કેસ અંગે નીચલી કોર્ટના આદેશને પડકાર્યો હતો. હાઈકોર્ટમાં પોતાની અરજી આપતી વખતે, જેક્વેલિનએ પોતાની સામેના તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા અને છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર સાથેના લિવ-ઈન રિલેશનશિપના મામલાને પણ ફગાવી દીધો હતો. જેક્વેલિનએ અરજી દાખલ કરીને કહ્યું હતું કે તેના પરના તમામ આરોપો ખોટા છે. તેણીએ કહ્યું કે માત્ર સુકેશ ચંદ્રશેખરે તેની સાથે છેતરપિંડી કરી નથી, પરંતુ અદિતિ સિંહે પણ છેતરપિંડી કરી છે. જેક્વેલિનએ કહ્યું કે સુકેશ ચંદ્રશેખર દ્વારા તેણીને નિશાન બનાવવામાં આવી હતી અને મની લોન્ડરિંગ કેસમાં તેનો કોઈ હાથ નથી. જેક્વેલિનએ સુકેશ ચંદ્રશેખરના દાવાને ફગાવી દીધો છે કે તે તેની સાથે સંબંધમાં હતી.
શું છે આખો મામલો?
ચુકાદો આપતાં, ન્યાયાધીશ અનિશ દયાલે કહ્યું, ‘અરજી ફગાવી દેવામાં આવે છે.’ ચુકાદાની વિગતવાર નકલની રાહ જોવાઈ રહી છે. ED કેસ ઓગસ્ટ 2022 માં દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ચંદ્રશેખર સામે નોંધાયેલા ખંડણીના કેસમાંથી ઉદ્ભવ્યો છે, જેમાં તેમના પર રેલિગેર એન્ટરપ્રાઇઝના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ પાસેથી કથિત રીતે છેતરપિંડી અને પૈસા પડાવવાનો આરોપ છે. તેમણે કેન્દ્રીય કાયદા સચિવ તરીકે પોતાને રજૂ કરીને તેના જેલમાં બંધ પતિને જામીન અપાવવાની ઓફર કરી હતી. ED અને EOW કથિત છેતરપિંડીની અલગ અલગ રીતે તપાસ કરી રહ્યા છે. જ્યારે EOW જેલની અંદર છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહ્યું છે, ત્યારે ED મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહ્યું છે. ED એ ફર્નાન્ડીઝને આ કેસમાં સહ-આરોપી બનાવ્યા હતા.
જેક્વેલિનીએ અરજી દાખલ કરી હતી
તમને જણાવી દઈએ કે જેક્વેલિનએ આ મામલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે, હવે હાઈકોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે અને અરજી ફગાવી દીધી છે. જેકલીનની ગણતરી બોલિવૂડની ટોચની હિરોઈનોમાં થાય છે અને તે તાજેતરમાં તેની ફિલ્મ હાઉસફુલ-5 માટે સમાચારમાં હતી. જેકલીન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને ઘણી લોકપ્રિયતા મેળવી છે.