સાજિદ નડિયાદવાલાને ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ નિર્માતાઓમાંના એક માનવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર આગામી બે વર્ષમાં તેની ઘણી ફિલ્મો આવી રહી છે. આ યાદીમાં સલમાન ખાનની ‘સિકંદર’ અને ‘હાઉસફુલ 5’ જેવી ફિલ્મો સામેલ છે.

‘સિકંદર’ વર્ષ 2025માં ઈદના તહેવાર પર રિલીઝ થશે તેમજ ‘હાઉસફુલ 5’ બકરીઈદ પર રિલીઝ થઈ શકે છે. ‘હાઉસફુલ 5’ ને સારી બનાવવા માટે મોટા કલાકારોને કાસ્ટ કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, હાઉસફૂલ 5માં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન જેવા સ્ટાર્સ જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, આ ફિલ્મમાં એક અન્ય કલાકારની એન્ટ્રી થઈ ગઈ છે. આ એક્ટર બીજો કોઈ નહીં પણ અર્જુન રામપાલ છે.

મળતી માહિતી પ્રમાણે, અર્જુન રામપાલ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. અર્જુન લગભગ 14 વર્ષ પછી હાઉસફૂલ ફ્રેન્ચાઈઝીમાં વાપસી કરવા જઈ રહ્યો છે. આ વખતે તેનો રોલ ગંભીર હોવાની સાથે કોમેડિ પણ હશે. આ પહેલા હાઉસફૂલમાં તેને કૃષ્ણા રાવ નામનો રોલ પ્લે કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે, જ્યારે સાજિદ નડિયાદવાલાએ અર્જુનને આ ફિલ્મ માટે અપ્રોચ કર્યો તો તેણે તરત આ ફિલ્મ માટે હા પાડી દીધી હતી. હાઉસફૂલમાં અર્જુનની વાપસીથી અક્ષય કુમાર ઘણો ખુશ છે. આ ફિલ્મ આ વર્ષે ઓગસ્ટમાં ફ્લોર પર આવવા માટે તૈયાર છે. તેનું શૂટિંગ ક્રૂઝ પર થવાનું છે.

તમને જણાવી દઈએ કે, હાઉસફૂલ વર્ષ 2010માં રિલીઝ થઈ હતી. લગભગ 45 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે વર્લ્ડવાઈડ 119 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. હાઉસફૂલ ફ્રેન્ચાઈઝીની દરેક ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હવે ઓડિયન્સને તેના પાર્ટ 5થી ઘણઈ આશા છે. તેમજ અક્ષય કુમારને પણ આ ફિલ્મથી ઘણી આશા છે.