આજે મધર્સ ડેના ખાસ અવસર પર બોલિવૂડના એવા કલાકારો વિશે વાત કરીએ કે જેઓ સિંગલ ફાધર છે. તેમણે માત્ર એક પિતા તરીકેની તેમની ફરજ નિભાવી નથી, પરંતુ એક માતાની જેમ, તેઓ ક્યારેય તેમની જવાબદારીઓ નિભાવવાથી ચુક્યા નથી. કેટલાક બોલિવૂડ સ્ટાર્સ એવા છે કે જે પોતાના બાળકો માટે માતા અને પિતા બંને બન્યા છે, જેમણે માની ફરજ પણ નિભાવી છે.
કરણ જોહર – કરણ જોહરે ફિલ્મી પડદે પોતાની ફિલ્મો દ્વારા રોમાંસની વ્યાખ્યા બદલી. કરણ જોહરે હજી લગ્ન કર્યા નથી, પરંતુ તેણે સરોગસીની મદદથી 2017માં તેના જોડિયા બાળકો યશ અને રૂહીનું સ્વાગત કર્યું. બંને બાળકોના ઉછેરમાં કરણે ક્યારેય કોઈ કસર છોડી નથી. તેઓ તેમના બાળકો માટે માતા અને પિતા બંનેની ફરજો બજાવે છે.
તુષાર કપૂર – આ લિસ્ટમાં તુષાર કપૂરનું નામ પણ છે. ‘ગોલમાલ’ અભિનેતાએ 2016માં તેના પુત્ર લક્ષ્યનું સ્વાગત કર્યું. જિતેન્દ્રના પૌત્રોનો જન્મ પણ સરોગસીની મદદથી થયો હતો. તુષારનો પુત્ર 7 વર્ષનો થઈ ગયો છે અને અભિનેતા તેના કામની સાથે તેના દીકરાની સંભાળ રાખવાની જવાબદારી પણ સારી રીતે નિભાવી રહ્યો છે.
બોની કપૂર – ફિલ્મ પ્રોડ્યુસર હોવા ઉપરાંત બોની કપૂર એક્ટિંગમાં પણ હાથ અજમાવતા રહે છે. જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર બંને હવે તેમના જીવનમાં સેટ થઈ ગઈ છે, પરંતુ જ્યારે તેઓએ તેમની માતા અને પહેલી ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીને ગુમાવી ત્યારે બંને નાની હતી. તે દરમિયાન બોની કપૂરે બંને દીકરીઓની ખૂબ સારી રીતે સંભાળ રાખી હતી. આજે પણ તે પૂરો પ્રયાસ કરે છે કે દીકરીઓને માતાની ખોટ ન અનુભવાય.
ચંદ્રચુડ સિંહ – એક સમયે, ચંદ્રચુડ સિંહના અભિનયનો ચાર્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય હતો. તેણે દર્શકોને ‘જોશ’, ‘ક્યા કહેના’ અને ‘માચીસ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી. થોડા વર્ષો પહેલા તેણે વેબ સીરિઝ ‘આર્યા’થી પોતાની બીજી ઇનિંગની શરૂઆત કરી. ચંદ્રચુડ સિંહ મોટા પડદા પર જેટલો સારો અભિનેતા છે તેટલો જ તે વાસ્તવિક જીવનમાં સારો પિતા પણ છે. તે બોલિવૂડની એવી હસ્તીઓમાંથી એક છે જેમણે પોતાના પુત્રને એકલા હાથે ઉછેર્યો. તેણે વર્ષ 1999માં અવંતિકા મનટોકિયા સાથે લગ્ન કર્યા હતા. જોકે, તે તેની પત્નીથી અલગ થઈ ગયો છે અને એકલા હાથે પુત્રનો ઉછેર કરી રહ્યો છે.
રાહુલ દેવ – રાહુલ દેવ ભલે મોટા પડદા પર સૌથી મોટો વિલન હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ સારા પિતા છે. પત્ની રીના દેવના અવસાન બાદ તેણે માતા અને પિતા બંનેનો પ્રેમ પુત્ર સિદ્ધાર્થ દેવને આપ્યો છે.