બાહુબલીમાં કટપ્પાની ભૂમિકા ભજવનાર એક્ટર સત્યરાજ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. લગભગ ત્રણ દિવસ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે સત્યરાજ વડાપ્રધાન મોદીની એક બાયોપિકમાં તેમની ભૂમિકા ભજવશે. હવે આ અહેવાલો પર સત્યરાજે મૌન તોડયું છે, તેમણે આ અંગે નિવેદન આપ્યું છે.

એક ઇન્ટરવ્યુમાં સત્યરાજે કહ્યું, એવા સમાચાર કે હું વડાપ્રધાન મોદીની બાયોપિકમાં એક્ટિંગ કરી રહ્યો છું, મારા માટે પણ સમાચાર જ છે. કોઈએ પણ પીએમ મોદીની ભૂમિકા માટે માંરો સંપર્ક કર્યો નથી. લોકો સોશિયલ મીડિયા પર કોઈ પણ સમાચાર ચલાવી દે છે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા અફવાનો ગઢ બની ગયું છે. સાઉથ ઈન્ડસ્ટ્રીના સમાચારો પર નજર રાખનારા રમેશ બાલાએ પોતાના એક્સ એકાઉન્ટ પર માહિતી આપી હતી કે સત્યરાજ પીએમ મોદીની બાયોપિકમાં કામ કરશે. જો કે, તેણે બાયોપિકને લગતી અન્ય કોઈ માહિતી શેર કરી ન હતી અને કહ્યું હતું કે ફિલ્મ સંબંધિત વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે. સત્યરાજે આ સમાચારને અફવા ગણાવી દીધી છે, પરંતુ આ ટ્વીટ રમેશ બાલાના ટ્વિટર ટાઈમલાઈન પર હજુ પણ છે.

સત્યરાજને એસએસ રાજામૌલીના ડિરેક્શનમાં બનેલી પ્રભાસ અભિનીત ફિલ્મો બાહુબલી અને બાહુબલી 2થી સફળતા મળી હતી. પહેલા ભાગ પછી લોકો એક જ સવાલ પૂછી રહ્યા હતા, ‘કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?’ આ ફિલ્મમાં તેનો રોલ ખૂબ જ જોરદાર હતો.તાજેતરના દિવસોમાં સત્યરાજ આગામી ફિલ્મ ‘વેપન’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. સત્યરાજે ફિલ્મમાં સુપર હ્યુમનની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં રાજીવ મેનન અને વસંત રવિ જેવા કલાકારો પણ છે. તેમની ફિલ્મ 23 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.