SEBI: હિંડનબર્ગ કેસમાં શેરબજાર નિયમનકાર સેબી તરફથી અદાણી ગ્રુપને મોટી રાહત મળી છે. ગુરુવારે સેબીએ અબજોપતિ ગૌતમ અદાણી અને તેમની ગ્રુપ કંપનીઓ, જેમાં અદાણી પોર્ટ્સ અને અદાણી પાવરનો સમાવેશ થાય છે, સામે યુએસ શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા સ્ટોક હેરાફેરીનાં આરોપોને ફગાવી દીધા.
આ આદેશ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી પાવર લિમિટેડ, એડિકોર્પ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ, ગૌતમ શાંતિલાલ અદાણી અને રાજેશ શાંતિલાલ અદાણીને લાગુ પડે છે. આ બાબત પર વિચાર કર્યા પછી, સેબીએ કહ્યું કે તેણે “કોઈપણ વધુ નિર્દેશ વિના નોટિસ આપનારાઓ સામેની કાર્યવાહી તાત્કાલિક સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.”
યુએસ સ્થિત નાણાકીય સંશોધન પેઢી અને શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચના એક અહેવાલમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જાહેરમાં સૂચિબદ્ધ અદાણી પાવરને ફાઇનાન્સ કરવા માટે એડિકોર્પ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડનો ઉપયોગ વિવિધ અદાણી ગ્રુપ કંપનીઓમાંથી ભંડોળ મેળવવા માટે એક માર્ગ તરીકે કરવામાં આવ્યો હતો.
સેબી તરફથી ક્લીનચીટ મળ્યા બાદ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “સેબીએ પુષ્ટિ આપી છે કે હિન્ડનબર્ગના દાવા પાયાવિહોણા હતા. પારદર્શિતા અને પ્રામાણિકતા હંમેશા અદાણી ગ્રુપની ઓળખ રહી છે. આ કપટપૂર્ણ અને પ્રેરિત રિપોર્ટને કારણે નાણાં ગુમાવનારા રોકાણકારોના દુ:ખને અમે ઊંડાણપૂર્વક સમજીએ છીએ. ખોટા દાવા ફેલાવનારાઓએ રાષ્ટ્રની માફી માંગવી જોઈએ. ભારતની સંસ્થાઓ, તેના લોકો અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અટલ છે. સત્યમેવ જયતે! જય હિંદ!”