Ratan Tata: ટાટા ગ્રુપના ઓનરરી ચેરમેન રતન ટાટાનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ ફરી એકવાર સામે આવ્યો છે. તમને યાદ હશે કે થોડા દિવસો પહેલા જ હોટલ તાજમાં જમીન પર સૂતા કૂતરાની તસવીર વાયરલ થઈ હતી. તે સમયે ફોટો પડાવનાર મહિલાને કહેવામાં આવ્યું હતું કે હોટલના સમગ્ર સ્ટાફને રતન ટાટા દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે તાજ હોટલના કમ્પાઉન્ડમાં જો કોઈ પ્રાણી પ્રવેશ કરશે તો તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવશે. હવે રતન ટાટાએ મુંબઈની સ્મોલ એનિમલ હોસ્પિટલમાં દાખલ કૂતરા માટે ઈન્સ્ટાગ્રામ દ્વારા લોહીની મદદ માંગી છે.

મુંબઈના લોકોને મદદ માટે અપીલ કરી

રતન ટાટાએ પોતાની ઈન્સ્ટા પોસ્ટમાં કૂતરાની ગંભીર સ્થિતિ વિશે જણાવ્યું છે અને મુંબઈના લોકોને મદદ માટે અપીલ કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં વિનંતી કરી અને લખ્યું, ‘હું તમારી મદદની ખરેખર પ્રશંસા કરીશ.’ રતન ટાટાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેમની હોસ્પિટલના ડોક્ટરોને લોહીની તાત્કાલિક જરૂર છે. આ લોહી 7 મહિનાના કૂતરા માટે જરૂરી છે. તેને ટિક ફીવર અને એનિમિયા હોવાની શંકા છે. ટાટાએ એ પણ જણાવ્યું કે કયા કૂતરા રક્તદાન કરી શકે છે. આ સાથે તેમણે બીમાર કૂતરાનો ફોટો પણ પોસ્ટ કર્યો છે.

રતન ટાટાની પોસ્ટ થોડા કલાકોમાં જ વાયરલ થઈ ગઈ

ટાટાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બીમાર કૂતરાનો ફોટો શેર કરતા મેસેજમાં લખ્યું, ‘મુંબઈ, મને તમારી મદદની જરૂર છે.’ તેમની આ પોસ્ટ થોડા જ કલાકોમાં વાયરલ થઈ ગઈ અને લાખો લાઈક્સ મળી ગઈ. તેમની પોસ્ટ પર ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે. એક ઇન્સ્ટા યુઝરે કોમેન્ટમાં લખ્યું, ‘મેં સંભવિત રક્તદાતાના સંપર્ક સાથે એક ટેક્સ્ટ મોકલ્યો છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘કલ્પના કરો, એક અબજોપતિ કૂતરાને મદદ કરવા માટે પોસ્ટ કરી રહ્યો છે!’ અને તેની કોમેન્ટના અંતે તેણે હાર્ટ ઈમોજી મુક્યું છે.

ટાટાના વખાણ કરતા એક યુઝરે લખ્યું, ‘તેઓ ખૂબ જ ડાઉન ટુ અર્થ બિઝનેસમેન છે.’ ચોથા યુઝરે લખ્યું, ‘દુનિયાના સૌથી ધનિક લોકોમાંના એક હોવા છતાં, તે અને તેમનો પરિવાર અને બિઝનેસ તેમની કમાણીમાંથી 65%થી વધુ દાન કરે છે.’ આ પહેલીવાર નથી જ્યારે રતન ટાટાએ મુશ્કેલીમાં ફસાયેલા કૂતરાની મદદ માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હોય.

તમને જણાવી દઈએ કે રતન ટાટા ટ્રસ્ટની દેખરેખ હેઠળ ચાલતી સ્મોલ એનિમલ હોસ્પિટલ, બિલાડીઓ અને કૂતરાઓની સારવાર માટે બનાવવામાં આવેલ આધુનિક પશુ ચિકિત્સા હોસ્પિટલ છે. મુંબઈમાં આવેલી આ હોસ્પિટલ માત્ર તેમની સારવાર જ નથી કરતી પણ જટિલ રોગોના નિદાન માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે કામ કરે છે. આ હોસ્પિટલ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રાણીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.