Ola: સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી બાદ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય પણ ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટી સામેની ગ્રાહકોની ફરિયાદો અંગે તપાસ શરૂ કરવા જઈ રહ્યું છે.

ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીની સમસ્યાને સમાપ્ત કરવાના કોઈ સંકેત દેખાડી રહી નથી. CCPA (સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી)ની નોટિસ બાદ હવે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય પણ ઓલા ઈલેક્ટ્રીક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદોની તપાસ કરી શકે છે. ગ્રાહકોની ફરિયાદોને પગલે મંત્રાલય આ અઠવાડિયે તેની કાર્યવાહી શરૂ કરી શકે છે અને કંપનીને રિપોર્ટ સબમિટ કરવા માટે કહી શકે છે.

રિપોર્ટ અનુસાર, સેવા સંબંધિત ચિંતાઓ અને ઓલા ઈલેક્ટ્રીક સામે મળેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે પણ સેવા સંબંધિત મામલામાં હસ્તક્ષેપ કરવાનો અને કંપની પાસેથી રિપોર્ટ માંગવાનો નિર્ણય લીધો છે. અગાઉ, કંપની વિરુદ્ધ 10,000 થી વધુ ગ્રાહકોની ફરિયાદોને કારણે, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ નોટિસ મોકલી છે.

CCPA નોટિસ જણાવે છે કે કંપનીએ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019ની કલમોનું ઉલ્લંઘન કર્યું છે. આમાં નબળી સેવા, ખોટી જાહેરાત, અયોગ્ય વેપાર પ્રથાઓ અને ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન શામેલ છે. કંપનીએ 15 દિવસમાં CCPA નોટિસનો જવાબ આપવો પડશે.છેલ્લા એક વર્ષમાં ગ્રાહક બાબતોના વિભાગની નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન પર કંપની વિરુદ્ધ 10,644 ફરિયાદો મળી છે. આ બધામાં ઓલા સ્કૂટરની નબળી સર્વિસને લઈને ફરિયાદો નોંધાઈ છે.

ઓલા ઇલેક્ટ્રિકની સમસ્યાઓ વધી રહી છે. એક તરફ ગ્રાહકોની ફરિયાદો છે અને બીજી તરફ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં કંપનીનો હિસ્સો મહિને મહિને સતત ઘટી રહ્યો છે. બજાજ ઓટો અને ટીવીએસ મોટર્સ ઓલા ઈલેક્ટ્રિકનો બજાર હિસ્સો ઝડપથી કબજે કરી રહ્યાં છે. આ ઉપરાંત, કંપનીના સીઈઓ ભાવિશ અગ્રવાલ અને કોમેડિયન કુણાલ કામરા વચ્ચે સોશિયલ મીડિયા પર શબ્દ યુદ્ધને કારણે પણ કંપની સમાચારમાં છે.

ઓલા ઈલેક્ટ્રિક માટે રાહતની વાત છે કે આ બધી બાબતો હોવા છતાં કંપનીનો શેર મંગળવારના ટ્રેડિંગ સેશનમાં 5.05 ટકાના વધારા સાથે બંધ થયો હતો. સવારે શેરબજાર ખુલ્યા બાદ તે 86 રૂપિયા સુધી લપસી ગયો હતો પરંતુ શેરમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી હતી અને શેર જોરદાર ઉછાળા સાથે બંધ થયો હતો.