Sahara group: સહારા ગ્રુપને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મંગળવારે સુનાવણી દરમિયાન, દેશની સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે રોકાણકારોના નાણાં પરત કરવા માટે સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં આશરે રૂ. 10,000 કરોડ જમા કરવા માટે સહારા જૂથને તેની સંપત્તિ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી.
1 ઓગસ્ટ, 2012ના રોજ, સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો હતો કે સહારા જૂથની કંપનીઓ – SIRECL અને SHICL રોકાણકારો પાસેથી જમા કરાયેલી રકમ SEBIને 15 ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત કરે. આ વ્યાજ થાપણની તારીખથી ચુકવણીની તારીખ સુધી ચૂકવવાપાત્ર રહેશે. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચે સહારા ગ્રુપ દ્વારા કોર્ટના નિર્દેશ મુજબ રકમ જમા ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી.
સહારા ગ્રૂપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે કંપનીને તેની સંપત્તિ વેચવાની તક આપવામાં આવી નથી. તેના પર બેન્ચે કહ્યું કે, કોર્ટના આદેશ અનુસાર 25,000 કરોડ રૂપિયામાંથી બાકીના 10,000 કરોડ રૂપિયા જમા કરાવવા માટે સહારા ગ્રુપ પર તેની સંપત્તિ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી. કોર્ટે એમ પણ ઉમેર્યું હતું કે સર્કલ રેટ કરતાં ઓછી કિંમતે મિલકતો વેચવી જોઈએ નહીં. સર્કલ રેટ કરતા ઓછા ભાવે તેને વેચવાના કિસ્સામાં કોર્ટની પૂર્વ પરવાનગી લેવાની રહેશે.