એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ટાટા ગ્રુપની એરલાઈન Air India પર 90 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એર ઈન્ડિયાએ નોન-ક્વોલિફાઈડ ક્રૂ મેમ્બર સાથે ઉડાન ભરી હતી. રેગ્યુલેટરે એર ઈન્ડિયાના ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ અને ડાયરેક્ટર ઓફ ટ્રેનિંગ પર ક્ષતિ બદલ અનુક્રમે રૂ. 6 લાખ અને રૂ. 3 લાખનો દંડ પણ ફટકાર્યો છે. DGCAએ સંબંધિત પાયલટને પણ ચેતવણી આપી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

DGCAએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘એર ઈન્ડિયા લિમિટેડની ફ્લાઈટનું સંચાલન બિન-ટ્રેનર લાઇન કેપ્ટન દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક ગંભીર શેડ્યુલિંગ ઇવેન્ટ છે, જે સુરક્ષા પર નોંધપાત્ર અસર કરે છે. અમને તપાસમાં જાણવા મળ્યું છે કે ઘણા પદાધિકારીઓ અને કર્મચારીઓએ નિયમનકારી જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. જેના કારણે મુસાફરોની સુરક્ષા પર અસર પડી શકે છે.

ડીજીસીએએ એમ પણ કહ્યું હતું કે ફ્લાઇટ કમાન્ડર અને એરલાઇન અધિકારીઓને કારણ બતાવો નોટિસ જારી કરીને 22 જુલાઈના રોજ તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. પરંતુ, તેઓ એવિએશન રેગ્યુલેટરને સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આ પછી DGCAએ હાલના નિયમો અનુસાર કાર્યવાહી કરી અને એરલાઇન પર દંડ લગાવ્યો.

એર ઈન્ડિયાને પહેલા જ દંડ ફટકારવામાં આવ્યો છે
DGCAએ માર્ચમાં એર ઈન્ડિયા પર 80 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. તેણે એરલાઈનને લાંબા અંતરની ફ્લાઈટ્સ પહેલા પાઈલટોને જરૂરી આરામ ન આપવા જેવા નિયમોનું ઉલ્લંઘન કરવા માટે દોષિત ગણાવ્યું હતું. DGCA ને વધુ પડતી ડ્યુટી ટાઇમિંગ, ઓવરલેપિંગ ડ્યુટી અને ટ્રેનિંગ રેકોર્ડ્સનું ખોટું માર્કિંગ જેવી અનિયમિતતાઓ પણ મળી હતી.

આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 12 ફેબ્રુઆરીએ એર ઈન્ડિયામાં મુસાફરી કરી રહેલા 80 વર્ષીય પેસેન્જરને વ્હીલચેર ન મળી, જેના કારણે તેનું મોત થયું. DGCAએ આ માટે એરલાઇનને જવાબદાર ગણાવી હતી.