આ પ્રસંગે આરોગ્ય મંત્રી Rushikesh Patel લે જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસ માનવ સ્વાસ્થ્ય માટે ઉમદા કામગીરી કરી રહ્યું છે તે બદલ GUTSના તમામ લોકોને તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી. સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે તેના ભાગરૂપે જ ટુંક સમયમાં કિડની એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં રોબોટિક સર્જરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે જે વિદ્યાર્થી- ડોક્ટર્સને ડિગ્રી પ્રમાણપત્ર પ્રાપ્ત થયા છે તે માત્ર પ્રમાણપત્ર નથી પરંતુ દર્દીઓના જીવનમાં ખુશીઓ ફેલાવવા માટેનું તેમજ સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેનું પ્રમાણપત્ર છે. તદ્ઉપરાંત તેમણે તમામ વિદ્યાર્થીઓને પોતાની સંપૂર્ણ જવાબદારી સમજી રાષ્ટ્ર અને માનવ સમાજ માટે કાર્યરત રહેવાની શીખ આપી હતી. એક શ્રેષ્ઠ ડોક્ટરે બદલાતી રહેતી ટેકનોલોજી સાથે ચાલવા માટે સતત નવું શિક્ષણ મેળવતા રહેવું અનિવાર્ય હોય છે માટે આપ સૌએ પણ આ શિક્ષણ માટે પ્રયત્નશીલ રહેવું પડશે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ડોકટરની પદવી ધારક તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસના વાઇસ ચાન્સેલર પ્રાંજલ મોદીએ કર્યું હતું. જેમાં તેમણે GUTS દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને ભવિષ્યમાં અમલી બનનારા કોર્સિસ અને કિડની ઇન્સ્ટીટ્યુટના ભવિષ્યના આયોજન વિશેનો ચિતાર રજૂ કર્યો હતો. આ ક્ષણે તેમણે એમ પણ જણાવ્યું હતુ કે, વર્ષ-2024માં 443 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારી કિડની ઇન્સ્ટિટ્યુટ સરકારી સંસ્થાઓમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, એડિશનલ ડાયરેક્ટર રાધવેન્દ્ર દીક્ષિત આઇ.કે.આર.ડી.સી. સંસ્થાના ગુરૂમાતા સુનીતાબેન ત્રિવેદી, GUTSના રજીસ્ટ્રાર કમલભાઈ મોદી, અમદાવાદ સિવિલ મેડિસિટીની વિવિધ સંસ્થાના ડાયરેક્ટર, સુપ્રિટેન્ડન્ટ, ડીન તેમજ GUTSના બોર્ડ મેમ્બર્સ, ડોક્ટર્સ અને અન્ય સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.