Ahmedabad News: અમદાવાદમાં ઓટોરિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીનો મામલો વધીને હવે હડતાળ સુધી પહોંચી ગયો છે. પોલીસ દ્વારા રિક્ષાચાલકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ઓટોરિક્ષા યુનિયને રાત્રે 12 વાગ્યાથી હડતાળની શરૂ કરી છે. આંદોલનના ભાગરૂપે અમદાવાદની રિક્ષાઓ થંભી ગઈ છે. જેના કારણે સામાન્ય લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
લોકોને પડી હાલાકી
રિક્ષા ચાલકોના આંદોલનના કારણે Ahmedabad માં ઘણી જગ્યાએ ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ જોવા મળી હતી. મળતી માહિતી મુજબ આંદોલનના પગલે રિક્ષાચાલકો પેસેન્જર ભરેલી અન્ય રિક્ષાઓના ખાલી કરાવી રહ્યા છે અને જબરદસ્તી આંદોલનમાં ભાગ લેવાનું કહી રહ્યા છે. આ સાથે જ રિક્ષા ચાલક યુનિયનનું કહેવું છે કે જો પોલીસ કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો અમદાવાદના રસ્તાઓ પરથી રિક્ષાના પૈડા થંભી જશે.
કેમ કરી હડતાળ?
રિક્ષાચાલકોનો આક્ષેપ છે કે પોલીસ પોતાના અધિકારોનો દુરુપયોગ કરીને તેમને ખોટી રીતે હેરાન કરી રહી છે. રિક્ષા યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી જણાવ્યું છે કે રાજ્ય સરકારે ઓટોરિક્ષાને રોજગારના સાધન તરીકે માન્યતા આપવામાં આવી છે. તેમ છતાં પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરીને ‘ટાર્ગેટ’ પૂરા કરવા માટે વાહનો જપ્ત કરવામાં આવે છે અને ખોટો દંડ ફટકારવામાં આવે છે.