રાજ્યમાં જ્યાં જ્યાં વીજળીના સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે ત્યાં વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે હવે અમદાવાદમાં પણ સ્માર્ટ મીટરને લઈને ભારે વિરોધ શરુ થઈ ગયો છે.
નવા નરોડા વિસ્તારમાં આવેલી 8 જેટલી સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક લોકો એક્ઠા થઈને સ્માર્ટ મીટર દૂર કરીને જૂના મીટર લગાવવાની માંગ કરી રહ્યા છે. તેમજ વીજ કંપનીઓએ જાણ કર્યા વગર જ સ્માર્ટ મીટર લગાવી દીધાની વાત કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રહીશો આ બાબતે રજૂઆત કરવા જીઈબીની ઓફિસ જશે.
સરકાર અને વીજ કંપનીઓ અગાઉથી લાગી ગયેલા સ્માર્ટ મીટરો કાઢવા નથી માંગતી અને લોકો કોઈ પણ સંજોગોમાં સ્માર્ટ મીટર કાઢીને જૂના મીટરો લગાવવામાં આવે તેવી માંગ કરીને આકરી ગરમીમાં પણ વિરોધ કરી રહ્યા છે. અગાઉ રાજ્યભરમાં અનેક શહેરોમાં ઠેર-ઠેર દેખાવ થયા છે. ત્યારે હવે અમદાવાદમાં પણ હવે સ્માર્ટ મીટરને લઈને વિરોધ શરુ થઈ ગયો છે.
રાજ્યભરના વિવિધ શહેરોમાં આવા સ્માર્ટ વીજ મીટર લગાવવાનું વીજ નિગમ દ્વારા શરૂ કરાયું છે. આવા સ્માર્ટ વિજ મીટરમાં વીજ બિલ ત્રણ ગણું આવતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક વીજ મીટર ધારકો દ્વારા વિરોધ શરૂ થયો છે. અગાઉ બે દિવસ પહેલા સુરતમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે લોકોનો વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે સુરત પાલિકાના વિપક્ષે શાસક પક્ષના કોર્પોરેટરોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.