Metro: આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ ગુજરાતની પ્રગતિની જીવંત સાબિતી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં આ પ્રોજેક્ટ અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા મહાનગરોમાં લાખો નાગરિકોના રોજીંદા જીવનને વધુ સરળ બનાવે છે. 

સમયની સાથે કદમ મિલાવતું ગુજરાત, વિકસિત ભારતના સંકલ્પનું સાકાર સ્વરૂપ બનીને ઊભરી રહ્યું છે. ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં, પરંતુ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઓળખાય છે. આ પ્રગતિની જીવંત સાબિતી છે – ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ.

અમદાવાદ મેટ્રોની સફર વર્ષ ૨૦૨૫માં નવા આયામો સર કરી રહી છે. શરૂઆતમાં જ્યાં દિવસના સરેરાશ ૩૫ હજાર મુસાફરો મુસાફરી કરતા હતા, તે આંકડો આજે વધીને ૧.૫ લાખ સુધી પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મેટ્રોમાં કુલ ૧૦.૩૮ કરોડ નાગરીકોએ મુસાફરી કરી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ ૯૯.૮૪ ટકા સમયસર સેવા આપીને મુસાફરોનો વિશ્વાસ જીત્યો છે.

ગુજરાતના શહેરો હવે ટ્રાફિક નહીં પરંતુ ટ્રાન્ઝિટની નવી ઓળખ સાથે આગળ વધી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ રાજ્યના આધુનિક પરિવહન સ્વપ્નને સાકાર કરતી એક મજબૂત કડી બની છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો નવેમ્બર ૨૦૧૪માં મંજૂર થયો હતો. માર્ચ ૨૦૧૯માં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી ૬.૫ કિમીનો પ્રથમ ભાગ શરૂ થતાં અમદાવાદના નગરજનોને નવી સફરની શરૂઆત મળી. વર્ષ ૨૦૨૨માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૩૨ કિમીની લાઈનનું લોકાર્પણ થતાં મેટ્રો અમદાવાદ શહેરના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી. 

બીજા તબક્કામાં ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદને જોડતો કુલ ૨૮.૨ કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. મોટેરાથી સેક્ટર-૧ અને GIFT City સુધીનો ભાગ સપ્ટેમ્બર ૨૦૨૪માં શરૂ થયો જ્યારે સચિવાલય સુધીનો ભાગ એપ્રિલ ૨૦૨૫માં ખુલ્લો મુકાયો છે. ટૂંક સમયમાં અમદાવાદથી મહાત્મા મંદિર સુધીનો રૂટ સંપૂર્ણ કાર્યરત થતાં કુલ ૬૮ કિ.મી.ના રૂટ પરના ૫૪ સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે.

મોટેરાથી સચિવાલય સુધી દોડતી મેટ્રો માત્ર અંતર નથી ઘટાડી રહી તે બે નગરોના વિકાસને એક જ ધારા સાથે જોડે છે. વિદ્યાર્થીઓથી લઈને ઓફિસના કર્મચારીઓ સુધી, હવે દરેક માટે આ સફર ઝડપી, સુરક્ષિત અને આરામદાયક બની છે.

ગુજરાતના શહેરો આજે આધુનિક પરિવહનના નવા યુગમાં પ્રવેશી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર સફરનું સાધન નથી, પરંતુ ગુજરાતના ગતિશીલ વિકાસનું પ્રતિક બની ગઈ છે.

મેટ્રોનું ભાડું માત્ર ₹૦૫ થી ₹૪૦ સુધીનું રાખવામાં આવ્યું છે. દૈનિક મુસાફર માટે પ્રતિ કિલોમીટર સરેરાશ રૂ. ૧ ના ભાડે સફર કરાવતી મેટ્રો સામાન્ય માણસ માટે ખરેખર બજેટ-ફ્રેન્ડલી મુસાફરી બની ગઈ છે.

મેટ્રો સ્ટેશનો માત્ર મુસાફરીના સ્થળ નથી એ ગુજરાતની સંસ્કૃતિ અને વારસાનું જીવંત પ્રદર્શન છે. દિવાલો પરના ચિત્રો, આર્ટ ઇન્સ્ટોલેશન અને કલા-સજાવટ મુસાફરીને વધુ આનંદદાયક બનાવે છે. દરેક સ્ટેશન એક “મિની આર્ટ ગેલેરી”ની અનુભૂતિ આપે છે.

દિવ્યાંગજન માટે ખાસ રેમ્પ, લિફ્ટ, ટૅક્ટાઇલ ફ્લોરિંગ અને આરામદાયક મુસાફરીની વ્યવસ્થા કરીને મેટ્રો સમાવેશી વિકાસનું પ્રતિક બની છે.

મુસાફરોની સુરક્ષા માટે મેટ્રો ટ્રેનોમાં કમ્યુનીકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રલ (CBTC) સિસ્ટમ, ફાયર અલાર્મ, સર્વેલન્સ કેમેરા અને ટનલ વેન્ટિલેશન જેવી અદ્યતન તકનીકો તૈયાર કરાઈ છે.

ગુજરાતની આ ગતિ અહીં અટકતી નથી. ડાયમંડ સિટી સુરતના ભવિષ્યને નવી દિશા આપવા માટે ૪૦.૩૫ કિમી લાંબી મેટ્રો લાઇનનું નિર્માણ થઈ રહ્યું છે.

“વહાલું ગુજરાત” હવે “દોડતું ગુજરાત” બની રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ એ માત્ર એક પરિવહન યોજના નથી, પરંતુ ભારતની બે સરકારોના સહયોગ, આર્થિક સંકલ્પ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ એક પ્રગતિશીલ માસ્ટરપ્લાન છે. મેટ્રો ફક્ત રેલ માર્ગ નહીં, પણ રાજ્યના પ્રગતિના માર્ગની નવી દિશા છે જ્યાં દરેક સ્ટેશન એક નવા વિકાસનું પ્રતિક છે.