અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનૅશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે ₹2.56 કરોડનું 2.65 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. દુબઈથી ઈન્ડિગોની ફ્લાઈટમાં આવેલા યાત્રીઓએ મોજામાં છુપાવીને સોનાના પેસ્ટના 6 સિલ્વર રંગના પાઉચ અમદાવાદ લાવ્યા હતા. કસ્ટમ વિભાગે 1 પુરુષ અને 2 મહિલાઓ સહિત 3 યાત્રીઓની ધરપકડ કરી છે. 

મળેલી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટના કસ્ટમ વિભાગના અધિકારીઓએ સોમવારે ઈન્ડિગોની ફ્લાઈટ નં. 6E 1478માં દુબઈથી અમદાવાદ આવેલા 1 પુરુષ અને 2 મહિલા યાત્રીઓને રોક્યા હતા. તપાસ દરમિયાન ત્રણેય યાત્રીઓના મોજામાં છુપાવેલા 6 સિલ્વર રંગના પાઉચ મળી આવ્યા. આ પાઉચની તપાસ કરતાં 2.650 કિલોગ્રામ સોનાની પેસ્ટ મળી, જેનું બજાર મૂલ્ય ₹2.56 કરોડ છે. આથી, કસ્ટમ વિભાગે સીમા શુલ્ક અધિનિયમ 1962 હેઠળ તમામ વસ્તુઓ જપ્ત કરી લીધી અને ત્રણેય યાત્રીઓની ધરપકડ કરી છે.