Ahmedabad News: ગુજરાતમાં ચોરોએ ફરી એકવાર મેટ્રોને વીજળી પૂરી પાડતો કેબલ કાપી નાખ્યો છે. ચોરોના આ કૃત્યથી મેટ્રોના સુરક્ષા દાવાઓ પર સવાલો ઉભા થયા છે. મેટ્રો લાઇનમાંથી પાવર કેબલ ચોરીની બે અઠવાડિયામાં આ બીજી ઘટના છે. પોલીસે આ ચોરી સંદર્ભે FIR નોંધી છે અને ચોરોની શોધ શરૂ કરી છે.
મંગળવારે આ અંગે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે ગાંધીનગર શહેર નજીક બે મેટ્રો ટ્રેન સ્ટેશનો વચ્ચેના ટ્રેક પરથી અજાણ્યા ચોરોએ પાવર સપ્લાય કેબલ ચોરી લીધો હતો. ચોરાયેલા પાવર કેબલની કિંમત આશરે 17.85 લાખ રૂપિયા છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચોરી સમયે મેટ્રો ચાલી રહી ન હોવાથી રૂટ પર મેટ્રો સેવાઓ પર કોઈ અસર પડી ન હતી અને સવારે 7 વાગ્યે ટ્રેનો શરૂ થાય તે પહેલાં સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
GMRC સેક્શન એન્જિનિયર મયુર જોશીએ મેટ્રો ટ્રેનોને વીજળી પૂરી પાડવા માટે ટ્રેક પર નાખેલા કોપર કેબલની ચોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી, સોમવારે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી.
“અમે FIR નોંધી લીધી છે અને તપાસ શરૂ કરી છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.” ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર ધવલ સિંહે જણાવ્યું હતું.
FIRમાં જણાવાયું છે કે ચોરી મોટેરાથી ગાંધીનગર રૂટ પર આવતા કોબા સર્કલ અને જુના કોબા સ્ટેશનો વચ્ચે થઈ હતી. જ્યારે સવારે 3 વાગ્યાની આસપાસ મેટ્રો ટ્રેન અચાનક આ બે સ્ટેશનો વચ્ચે રોકાઈ ગઈ, ત્યારે ટ્રેનમાં વીજળીનો પુરવઠો ન હોવાથી મયુર જોશીને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા.
જોશી દ્વારા તપાસ કરવામાં આવતા, જાણવા મળ્યું કે કોઈએ બ્રેકેટમાંથી કાપીને 17.85 લાખ રૂપિયાની કિંમતની 700 મીટર લાંબી કોપર પાવર કેબલ ચોરી લીધી છે.
મેટ્રો નેટવર્કમાંથી પાવર કેબલ ચોરીની આ બીજી ઘટના હતી. અગાઉ 22 મેના રોજ, અમદાવાદ શહેરમાં એક રૂટ પર મેટ્રો સેવાઓ ખોરવાઈ ગઈ હતી જ્યારે અજાણ્યા ચોરોએ શાહપુર સ્ટેશન નજીક ટ્રેક પરથી 9 લાખ રૂપિયાની કિંમતનો 500 મીટર પાવર કેબલ ચોરી લીધો હતો.