CM: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધુકાના આકરું ગામે નિર્મિત પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું હતું. આ સંગ્રહાલયમાં પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ નિહાળી મુખ્યમંત્રીશ્રીએ ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે આયોજિત સન્માન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ સંસ્કૃતિના અસ્તિત્વ માટે વિરાસતનું જતન ખૂબ મહત્વનું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી વિરાસતનું ગૌરવગાન કરવાની પરંપરા ઉભી કરી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતની લોક સંસ્કૃતિ, ભાષા અને પરંપરાનું વિશ્વભરમાં અભૂતપૂર્વ ગૌરવગાન થઈ રહ્યું છે. આપણી લોકકલા અને ગુજરાતનું ગૌરવ એવા ગરબા વિશ્વખ્યાતિ પામ્યા છે, જેનો શ્રેય વડાપ્રધાનશ્રીને જાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
આજના કાર્યક્રમને સંસ્કૃતિના ગૌરવગાનનો અવસર ગણાવી મુખ્યમંત્રીશ્રીએ સંસ્કૃતિના જતન માટેના ૬૦ વર્ષના પુરુષાર્થ તથા ‘વિરાસત’ સંગ્રહાલયના નિર્માણ બદલ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને તેમના સમગ્ર પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાનશ્રીએ આપેલા પ્રણમાંથી એક વિરાસતનું ગૌરવ છે. આ સંગ્રહલય લોક સંસ્કૃતિની ભવ્ય વિરાસતની જાળવણીમાં મહત્વનું યોગદાન આપવાની સાથે યુવા પેઢી માટે ચેતનાનું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકકલાના સન્માનમાં મુખ્યમંત્રીશ્રીનું આગમન અને આજનો અવસર આકરું ગામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કાયમ માટે અંકિત થઈ ગયું છે. સન્માન સમારોહમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, ચંદુભાઈ શિહોરી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કાળુસિંહ ડાભી, કિરીટસિંહ ડાભી તેમજ સામાજિક- રાજકીય આગેવાનો તથા આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.