Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૫’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૫’ના ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ ઉપરાંત અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને મુખ્યમંત્રી સહિત સૌએ અત્યંત બિરદાવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન થ્રી મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના મેયર સુ પ્રતિભાબહેન જૈન, અમદાવાદના ધારાસભ્યઓ દર્શનાબેન વાઘેલા, અમિતભાઈ શાહ, અમિત ઠાકર, કૌશિક જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઇ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણી, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિની અને પ્રકૃતિની સુંદરતાનો સંગમ એટલે અમદાવાદ ખાતે આયોજિત વિશ્વકક્ષાનો ફ્લાવર શો.
આ વાર્ષિક રંગોત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમીઓ મુલાકાત લે છે એટલું જ નહીં પરંતુ અગણિત યાદો સાથે લઈને જાય છે. કારણ કે ફૂલોની ફોરમ અને રંગોને માનવીય કલાકારીગીરીથી સજ્જ છે. અહીંયા મુલાકાતી મંત્રમુગ્ધ ન થાય તો જ નવાઈ.