Ahmedabad: રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ત્યારે ગઈકાલ મોડી રાતથી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે, અમદાવાદના જીવરાજ પાર્ક HP પેટ્રોલ પંપની બાજુમા આવેલ મધુરમ ફ્લેટની સીડીઓ ધરસાઈ થતા ફલેટના રહીશો ફસાયા હતા. જેમા ૪ માળના રહીશો ફસાયા હોવાના સમચાર સામે આવ્યા હતા. જોકે, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર અમદાવાદનાં જીવરાજ પાર્ક વિસ્તારમાં મોડી રાતે એક ભયાનક ઘટના ઘટી હતી. અહીં આવેલા મધુરમ ફ્લેટની પાછળનાં બ્લોકમાં સીડીનો એક ભાગ ધરાશાયી છતાં મોડી રાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બ્લોકમાં રહેતા 26 લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે મેઘરાજાએ ધમાલ મચાવી છે. ત્યારે આ વરસાદ વચ્ચે શહેરના જીવરાજ પાર્કમાં મોટો અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. શહેરના મધુરમ એપાર્ટમેન્ટના જી બ્લોકની સીડીઓ અચાનક તૂટી પડી હતી. સીડી ધડાકાભેર પડવાની સાથે જ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.