Ahmedabad: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. અહીં એક વિદ્યાર્થીએ પોતાના જ સાથી વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કરતા ધોરણ-10ના વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ સ્કૂલની બહાર ભારે ભીડ ભેગી થઈ હતી. મૃતકના પરિવારજનો, સિંધી સમાજના સભ્યો, અન્ય વાલીઓ અને હિન્દૂ સંગઠનો દ્વારા કડક વિરોધ કરવામાં આવ્યો હતો અને ન્યાયની માગ ઉઠી હતી. ઘટનાને પગલે રાજ્યની સ્કૂલો સહિત શિક્ષણ વિભાગ પણ ચિંતિત બન્યો છે. હવે આ મામલે ક્રાઈમ બ્રાન્ચે સ્કૂલ વિરુદ્ધ બેદરકારી બદલ અલગથી ગુનો દાખલ કર્યો છે, જ્યારે આરોપી સગીરને રિમાન્ડ હોમ મોકલી દેવામાં આવ્યો છે.
સેવન્થ ડે સ્કૂલ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી
વિદ્યાર્થીની હત્યાના કેસમાં સેવન્થ ડે સ્કૂલ અને તેના પ્રિન્સિપાલ ડૉ. જી. ઇમેન્યુઅલ (G. Immanuel) સામે ગુનો નોંધાયો છે. હુમલાની જાણ સ્કૂલે પોલીસને ન કરવાને કારણે અને વહીવટી બેદરકારીના કારણે આ કાર્યવાહી થઈ છે. કલમ 211 અને 239 હેઠળ આ ફરિયાદ નોંધાઈ છે.
સ્કૂલની બેદરકારી
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું કે, મૃતક વિદ્યાર્થી 38 મિનિટ સુધી ગંભીર રીતે ઘાયલ હાલતમાં તડપતો રહ્યો છતાં સ્કૂલ તરફથી કોઈ મદદ કે પ્રાથમિક સારવાર આપવામાં આવી ન હતી. સિક્યુરિટી અને સંચાલનને ઘટના અંગે જાણ હોવા છતાં યોગ્ય પગલા લેવામાં આવ્યા નહોતા. પોલીસ અને પરિવારજનોને માહિતી આપતા પણ મોડું કરાયું. સ્કૂલ પાસે પોતાની ગાડી અને બસ હોવા છતાં વિદ્યાર્થીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો નહોતો. સૂત્રોના જણાવ્યા મુજબ, અગાઉ પણ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડા થતા હોવાની જાણ સ્કૂલને હતી, છતાં યોગ્ય કાર્યવાહી ન થતા અંતે મામલો હત્યા સુધી પહોંચી ગયો. હાલ સુધી ક્રાઈમ બ્રાન્ચે બે સગીર આરોપીઓને કસ્ટડીમાં લીધા છે.
ઘટના કેવી રીતે બની?
ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કેટલાક સાથીઓ સાથે મળીને બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. થોડા દિવસો પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખીને આરોપીએ સ્કૂલ છૂટ્યા બાદ પોતાના મિત્રો સાથે ભેગા થઈને પીડિત વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કર્યો હતો. ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
પ્રિન્સિપાલ જી. ઇમેન્યુઅલ
સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાઇ સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. જી. ઇમેન્યુઅલ હાલ CISCE (કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન)ના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. વાલીઓના જણાવ્યા મુજબ, સ્કૂલમાં અગાઉથી હિંસા અને ગુંડાગીરીના બનાવો બનતા હોવા છતાં તેમણે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ સ્કૂલ CISCE તથા ગુજરાત બોર્ડ બંને સાથે સંકળાયેલી છે.
સ્કૂલનું સંચાલન
સેવન્થ ડે સ્કૂલનું સંચાલન સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચ ઓર્ગેનાઇઝેશન કરે છે, જે વૈશ્વિક સ્તરે કાર્યરત છે. તેનો મુખ્ય મથક યુએસએના મેરીલેન્ડ રાજ્યમાં આવેલ છે. ‘એશલોક ટ્રસ્ટ’ દ્વારા આ સ્કૂલ સંચાલિત થાય છે, જે સંસ્થાની શૈક્ષણિક શાખા હેઠળ આવે છે. વૈશ્વિક સ્તરે આ સંસ્થા 7,804થી વધુ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી ચલાવે છે.
આ પણ વાંચો
- Big boss: બિગ બોસમાં રાજકારણ… આ બે રાજકારણીઓ સલમાન ખાનના શોનો ભાગ બની શકે છે, વાસ્તવિક નેતાઓની તડકા હશે
- Online gaming bill: ઓનલાઇન ગેમિંગ બિલને રાષ્ટ્રપતિ મૂર્મુની મંજૂરી, બન્યો કાયદો
- Jay Shah: જય શાહે મહિલા વર્લ્ડ કપનું શેડ્યૂલ બદલ્યું, હવે બેંગલુરુને બદલે આ મેદાન પર મેચ રમાશે
- ISIS ફરી એકવાર ભારતના ઉંબરે સક્રિય થઈ ગયું છે, આ રીતે આતંક ફેલાવી રહ્યું છે… UN રિપોર્ટ
- Ahmedabad: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યાકાંડ : સ્કૂલની બેદરકારી બહાર આવી, પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો