અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી એક હચમચાવી નાખનારી ઘટનામાં ધોરણ-8ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થીની ચાકુથી હત્યા કરી નાખી હતી. સેવન્થ ડે સ્કૂલની બહાર ધક્કામુક્કી જેવી નાની બાબત પરથી આ ઘટના સર્જાઈ હતી. ઘટના બાદ મૃતકના પરિવારજનો અને સમાજના લોકો ઉગ્ર બની ગયા હતા. તેઓએ શાળામાં ઘૂસી જઈ પ્રિન્સિપાલ તથા સ્ટાફને માર માર્યો હતો તેમજ ભારે તોડફોડ પણ કરી હતી. હાલમાં મૃતક વિદ્યાર્થીની સ્મશાનયાત્રા નીકળી છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.

વિદ્યાર્થીની અંતિમયાત્રા શાળા આગળથી પસાર કરવામાં આવી રહી છે. મોટી ભીડ વચ્ચે પરિચિતો તથા સમાજના લોકોએ આંસુ સાથે વિદાય આપી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે. યાત્રામાં VHP, બજરંગ દળ અને ABVPના કાર્યકરો પણ જોડાયા હતા.

30 મિનિટ સુધી તરફડ્યો છતાં મદદ ન મળી!

પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે, ઘાયલ વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં અડધો કલાક સુધી તરફડતો રહ્યો છતાં શાળાના સિક્યોરિટી ગાર્ડ કે ફેકલ્ટી સભ્યોએ મદદ ન કરી. હુમલો કરનાર વિદ્યાર્થી પેટમાં ચપ્પુ મારી તરત જ ભાગી ગયો હતો. બાદમાં મિત્રો જ રિક્ષામાં બેસાડી તેને સરદાર પટેલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.

શાળામાં ભારે તોડફોડ

વિદ્યાર્થીના મોત બાદ પરિજનો અને સિંધી સમાજના લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ટોળાએ શાળામાં ઘૂસી પ્રિન્સિપાલ-સ્ટાફ સાથે ઝપાઝપી કરી, મારપીટ અને તોડફોડ કરી. ન્યાય માટેના બેનરો સાથે લોકો રસ્તા પર બેસી ગયા અને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો.

શાળાનો પક્ષ

સ્કૂલની એડમિનિસ્ટ્રેટર મયુરિકા પટેલે જણાવ્યું કે, આરોપી બાળક સામે પહેલાથી કાર્યવાહી થઈ ચૂકી હતી. તે સ્કૂલમાં છરી લઈને નહતો આવ્યો પરંતુ બહાર ગાડીમાં રાખેલી હતી. ઘટના પણ શાળાની બહાર બની હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું. આરોપી વિદ્યાર્થી સામે આગળની કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી.

શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, “આ ઘટના સમાજ માટે ચેતવણીરૂપ છે. નાની ઉંમરમાં આટલો હિંસક વલણ ચિંતાજનક છે. માતા-પિતાએ બાળકોની માનસિકતા પર નજર રાખવી જરૂરી છે. નાની બાબતે હત્યા સુધી પહોંચવું ખુબ દુઃખદ છે.”

પોલીસનો અહેવાલ

ખોખરા પોલીસે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે, કાયદો પોતાના હાથમાં ન લે અને શાંતિ જાળવે. તોડફોડ કરનારા સામે સીસીટીવી તથા વીડિયોગ્રાફી આધારે કાર્યવાહી થશે.

ધારાસભ્યનું નિવેદન

મણીનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે જણાવ્યું કે, “સરકારને રજૂઆત કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે લોકો શાંતિ રાખે. તમામ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે, પરંતુ તોડફોડથી પોતે જ ગુનામાં ન ફસાય તે માટે સૌને અપીલ છે.”

શું હતી ઘટના?

માહિતી મુજબ, ધોરણ-8નો વિદ્યાર્થી થોડા દિવસ પહેલાંની ધક્કામુક્કીની અદાવત રાખીને 7-8 સાથીઓ સાથે ભેગો થયો હતો. સ્કૂલની બહાર તેણે ધોરણ-10ના વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કર્યો. વિદ્યાર્થી લોહીલુહાણ થતાં તેને તરત હોસ્પિટલ ખસેડાયો, પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું.

આ પણ વાંચો