Ahmedabad : રથયાત્રા વર્ષોથી પરંપરાગત રૂટ ઉપર યોજાય છે ત્યારે મેટ્રો રેલ દ્વારા કાલુપુર પાસે કામ ચાલતું હોવાથી રૂટમાં સામાન્ય ફેરફાર કરવા મેટ્રો રેલ દ્વારા મંદિરને સૂચન કરવામાં આવ્યું હતું. જો કે, રુટમાં ફેરફાર કરવા બાબતનો મંદિર દ્વારા ઇન્કાર કરી દેવામાં આવ્યો છે અને રથયાત્રા પરંપરાગત રૂટ પર જ યોજાશે તેવું જણાવવામાં આવ્યું છે.

હાલ કાલુપુર સ્ટેશનમાં મેઈન રોડ પર મેટ્રોનું કામ ચાલે છે. વર્ષોથી નીકળતી રથયાત્રા ડીસીપી ઓફિસથી ડાબી બાજુ જઈને કાલુપુર સુધી પહોંચે છે પરંતુ આ માર્ગ પર કામગીરી ચાલુ હોવાથી બંધ છે તેથી સારંગપુર બાજુના રૂટ પસંદ કરવા મેટ્રો રેલ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.

જો કે, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રા ઝા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વર્ષોથી રથયાત્રા એક જ રૂટ પરથી નીકળે છે અને આ વખતે પણ રૂટમાં કોઈ ફેરફાર નહીં થાય.

રથયાત્રામાં ઉપરણા તૈયાર કરવાની કામગીરી જોશમાં

અષાઢી બીજે ભગવાન જગન્નાથ અમદાવાદ શહેરની પરિક્રમાએ નીકળે છે ત્યારે ભક્તોને ઉપરણાનો પ્રસાદ પણ આપવામાં આવે છે. રથયાત્રાને મહિના જેટલો સમય બાકી છે ત્યારે ઉપરણા તૈયાર કરવાની કામગીરી જોશમાં ચાલી રહી છે. રથયાત્રામાં ઉપરણાનું વિશેષ મહત્વ છે. ભક્તોને દાડમ, કાકડી, મગ ઉપરાંત ઉપરણાનો પ્રસાદ આપવામાં આવે છે.

અષાઢી બીજે કેસરી રંગના આ નાનકડું ઉપરણુ લેવા માટે ભક્તો પડાપડી કરે છે. મંદિરના 20થી વધુ કારીગર મહિના સુધી ઉપરણા બનાવવાની કામગીરી કરે છે.

ઉપરણાનાં મહત્વ અંગે વિવિધ કથાઓ પ્રચલિત છે. એક કથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણની આંગળી રથમાં ફસાઈ ગઇ ત્યારે દ્રોપદીએ તેમના ચીર ફાડીને ભગવાનને પાટો બાંધ્યો હતો.

તો બીજી કથા એવી છે કે મામાના ઘરે જગતના નાથે મીઠાઇ અને ફળો ખાધા જેના કારણે તેમની આંખો આવતા તેમની આંખો પર ઉપરણાના પાટા બાંધવામાં આવ્યા અને તેથી તે પવિત્ર ગણાય છે.

આ પણ વાંચો..