Ahmedabad: તમે અત્યાર સુધી વિવિધ પ્રકારની ઠગાઈ વિશે સાંભળ્યું હશે પણ હવે તો આવાસ યોજનાને લઈને પણ ઠગાઈની ઘટના સામે આવી છે. અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કરોડોની છેતરપિંડી થઈ છે. પોલીસે વીરમ સિંહ નામના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. તેણે 250થી વધુ લોકોને લાલચ આપી છેતરપિંડી કરી હતી.
મકાનના ખોટા દસ્તાવેજો બનાવીને તે ફાળવણીના નામે પૈસા વસૂલતો હતો. આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને નજીકના ભવિષ્યમાં વધુ માહિતી સામે આવશે. છેલ્લા ઘણા સમયથી પોલીસને આવી ફરિયાદો આવી રહી હતી કે આવાસ યોજના હેઠળ ઘર આપવાની લાલચ આપી લોકોને છેતરવામાં આવી રહ્યા છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરતાં ઝોન 1 એલસીબીની ટીમે લોકો સાથે છેતરપિંડી કરનાર વીરમસિંહ નામના શખ્સની ધરપકડ કરી હતી.
જ્યારે પોલીસે વીરમ સિંહની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તે લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અને દુકાનો અપાવવાની લાલચ આપીને પૈસા લેતો હતો. અત્યાર સુધીમાં તેણે 250 થી વધુ લોકો પાસેથી 3 કરોડ રૂપિયાથી વધુની રકમ એકઠી કરી છે. હાલ પોલીસે વીરમસિંહની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.