અમદાવાદમાં ગઈકાલે ધામધૂમપૂર્વક રથયાત્રા નીકાળવામાં આવી હતી. જેમા ભક્તો અને અમદાવાદના રસ્તાઓ જગન્નાથમય બની ગયા હતા. પરંતુ જગન્નાથ ભાઈ બહેન સાથે નગરચર્યા કર્યા બાદ કેમ મંદિરની બહાર રાતવાસો કરવો પડ્યો હતો. કેમ રાતે જ ગર્ભગૃહમાં લઈ જવાતા નથી. તેની પાછળ પણ એક રસપ્રદ કહાની છે.

રથયાત્રાએ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શનનો લ્હાવો લીધો હતો. પરંતુ નગરચર્યા કર્યા બાદ નિજ મંદિર પરત ફર્યા પછી ભગવાને રાતવાસો મંદિરની બહાર કરવો પડ્યો હતો. એવી લોકવાયકા છે કે ભગવાન જગન્નાથજી ભાઇ બળદેવ અને બહેન સુભદ્રાને લઇને અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે. પરંતુ પત્ની રુક્મણિને લીધા વગર જ તેઓ નગરચર્યા કરી આવે છે. જેથી રિસાયેલી પત્ની ભગવાનને સજાના ભાગરૂપે મંદિરમાં પ્રવેશ આપતી નથી. જેથી ભગવાને રાતવાસો મંદિરની બહાર જ કરવો પડે છે. જે બાદ સવારે જ જગન્નાથજીને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ મળે છે. જગન્નાથજી પત્નીને કહે છે કે, ‘હું જ્યાં જાઉ ત્યાં તમે મારી સાથે જ છો, તમે મારા હૃદયમાં જ છો આમ કહીને પત્ની રૂકમણિને મનાવી લે છે.’ જેથી સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં ભગવાનને નિજમંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.

વધુમાં ભગવાન જગન્નાથ વર્ષમાં એક વખત મંદિરની બહાર નીકળે છે. એવી લોકવાયકા છે કે શણગાર કરીને ભક્તોને દર્શન આપવા આવે છે ત્યારે ભક્તોની નજર ભગવાનને લાગી જાય. કારણ કે આ દિવસે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે. જેથી ભગવાન જ્યારે નિજમંદિરેથી પરત આવે છે ત્યારે સૌથી પહેલા તેમની નજર ઉતારવામાં આવે છે. આજે ભગવાનની નજર ઉતારવામાં આવી અને તે પછી મહાઆરતી કરવામાં આવી. આ વિધિ પતાવીને જ ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યાં ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.