Ahmedabad: આજે ભારતના PM નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. તેમના જન્મદિવસને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે રાજભવન ખાતે મળીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે હજારો કરોડના વિકાસ કાર્યોનું લોકાપર્ણ કર્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

ગુજરાતના સીએમએ ટ્વીટ કરતા લખ્યું કે, ‘આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતનો અભૂતપૂર્વ સર્વાંગીણ વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત તો મોદી સાહેબની જન્મભૂમિ છે અને તેમના કુશળ નેતૃત્વ તથા વિઝનનો અત્યાધિક લાભ ગુજરાતને પહેલેથી મળતો રહ્યો છે. ગુજરાતના પ્રજાજનોના હ્દયમાં મોદી સાહેબ પ્રત્યે અપાર ચાહના અને સ્નેહભાવ છે, ત્યારે આદરણીય મોદીજીને ઈશ્વર દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન આપે તેમજ તેમના નેતૃત્વમાં ભારત વિશ્વના વિકસિત દેશોની હરોળમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભકામના વ્યક્ત કરી.’

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. એટલું જ નહીં પરંતુ સતત ચાર વખત તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ સત્તામાં રહ્યાં છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન એક પછી એક અનેક તબક્કામાં લોકાર્પણ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારોહમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ તેમની સાથે હતા. જીએમડીસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું.