Ahmedabad: ગુજરાત સરકારે ચોથા રાજ્ય નાણાં પંચ (SFC)ની રચના કરી છે અને તેની કમાન ભારતીય જનતા પાર્ટીના નેતા યમલ વ્યાસને સોંપી છે. રાજ્ય સરકારે સોમવારે જારી એક નોટિફિકેશનમાં આ માહિતી આપી હતી. ગુજરાતના ચોથા SFCની રચના લગભગ 9 વર્ષના ગાળા બાદ કરવામાં આવી છે. ભરત ગરીવાલાની અધ્યક્ષતામાં રચાયેલા ત્રીજા રાજ્ય નાણાં પંચનો કાર્યકાળ 2015માં સમાપ્ત થયો હતો.

જાણો યમલ વ્યાસ વિશે
યમલ વ્યાસ જેમને ચોથા રાજ્ય નાણાપંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાતમાં સત્તાધારી ભાજપના મુખ્ય પ્રવક્તા છે. તેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી છે અને આ ક્ષેત્રમાં લગભગ ચાર દાયકાનો અનુભવ ધરાવે છે. તેઓ 2011-2015 વચ્ચે 3જી SFC ના પૂર્ણ-સમયના સભ્ય પણ હતા. તેમણે વિવિધ રાજ્ય જાહેર ઉપક્રમોના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે. ગુજરાતના મુખ્ય સચિવ રાજ કુમાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં યમલભાઈ વ્યાસના નેતૃત્વમાં ચોથા રાજ્ય નાણાપંચની રચના અંગે માહિતી આપવામાં આવી હતી.

16મા નાણાપંચના સભ્યો ગુજરાતની મુલાકાતે આવ્યા હતા
અરવિંદ પનાગરિયાની અધ્યક્ષતામાં રચાયેલ 16મું નાણાપંચ ગયા મહિને ગુજરાતની મુલાકાતે આવ્યું હતું. તે સમયે રાજ્ય સરકારે ‘ટેક્સ ડિવિઝન સેક્શન’માં રાજ્યોનો હિસ્સો 41 ટકાથી વધારીને 50 ટકા કરવાની માગણી કરી હતી. વિપક્ષ કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય નાણાં પંચ સાથેની બેઠકમાં રાજ્ય નાણાપંચની રચનામાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે ગુજરાતે અત્યાર સુધીમાં સાતમા રાજ્ય નાણાં પંચની નિમણૂક કરવી જોઈએ.