Ahmedabad: ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન અનામત’ આંદોલનનો આજે 23મો દિવસ છે અને આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ગાંધીનગરમાં મહારેલીની મંજૂરી ન મળતા તથા પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરતા, માજી સૈનિકોએ અમદાવાદમાં પહોંચીને ચક્કાજામ આંદોલન કર્યું હતું.
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીથી કોબા સર્કલ સુધી રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસે 50થી વધુ માજી સૈનિકોને ડિટેઇન કર્યા હતા, જોકે બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનાના બાદ આશરે હજાર જેટલા માજી સૈનિકો અમદાવાદ તરફ કૂચ કરી પહોંચ્યા અને રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો.
અમદાવાદમાં ચક્કાજામ અને ટ્રાફિક સમસ્યા
શાંતિપૂર્ણ રીતે આંદોલન કરતા પૂર્વ સૈનિકોએ પોલીસે તેમને ડિટેઇન કરવાનો આક્ષેપ કર્યો હતો. સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત થઈ હતી. ચક્કાજામ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવાયા હતા. આ કારણે બે કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો, જેના કારણે ખાસ કરીને એરપોર્ટ જતાં-આવતાં મુસાફરોને ભારે પરેશાની પડી હતી.
પ્રારંભમાં પોલીસે સૈનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલાકની અટકાયત પણ કરી હતી. જોકે આંદોલનકારીઓના દબાણ બાદ અટકાયત કરાયેલા જવાનોને છોડી મુકાયા. આ ઘટનાએ સાબિત કર્યું કે માજી સૈનિકોના દબાણ સામે પોલીસને પણ પીછેહઠ કરવી પડી હતી.
માજી સૈનિકોની મુખ્ય માંગણીઓ
આંદોલનકારીઓની મુખ્ય માંગ છે કે:
- કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ નિવૃત્ત સૈનિકોને 10 ટકા અનામતનો અમલ રાજ્યમાં કડક રીતે થાય.
- હાલ રાજ્ય સરકારે નક્કી કરેલા ન્યૂનતમ પાસિંગ માર્ક્સ 40 દૂર કરવામાં આવે, કારણ કે તે નિવૃત સૈનિકો માટે અવરોધક છે.
- સૈનિકોની જગ્યાએ ફક્ત સૈનિકોની જ ભરતી કરવામાં આવે.
માજી સૈનિકોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલન આગામી દિવસોમાં વધુ વેગ પકડશે.
આ પણ વાંચો
- Surat: VNSGU પરીક્ષામાં વિદ્યાર્થીએ AI ટૂલનો ઉપયોગ કરીને જવાબો ‘કોડિંગ’ કરતા પકડાયો, ચોંકાવનારી ઘટના
- Chhota Udaipur: ખેડૂતો આર્થિક સંકટમાં, કપાસનો પાક બરબાદ, સરકારી સહાય હજુ પણ ‘શૂન્ય’!
- Mehsana: ખેરાલુમાં ધારાસભ્યના ફાર્મહાઉસમાં એક યુવકે કરી આત્મહત્યા
- Rajkot:કિન્નરો વચ્ચે થઈ બબાલ,બાદમાં 6 કિન્નરોએ કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ
- Commonwealth Games: ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ શરૂ થતાં સ્વિસ નિષ્ણાત અમદાવાદના સ્થળોની સમીક્ષા કરવા પહોંચ્યા





