Ahmedabad: રાજ્યમાં રોજ અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. જેને લઈને ગુજરાત પોલીસે વાહન ચાલકોની સેફ્ટી માટે કડક પગલાં ભરી રહી છે છતાં સમાજમાં રહેલા અમુક અસામાજીકતત્વો તેનું પાલન નથી કરતા અને બેફામ વાહન ચલાવે છે જેમાં અકસ્માત થાય છે ને તેનો ભોગ નિર્દોષ લોકો બને છે આવીજ એક ઘટના Ahmedabadના બોપલ વિસ્તારમાં સામે આવી છે જ્યાં કાર ચાલકે સંખ્યાબંધ વાહનોને ટક્કર મારી હતી .અમદાવાદના આંબલી બોપલ રોડ પર ટાટા શો રૂમ પાસે ઘટના બની હતી. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતની ઘટના ઇસ્કોનથી બોપલ તરફ જતા આંબલી-બોપલ રોડ પર આજે સવારે બની હતી. એક વ્યક્તિ મોંઘી કાર લઇને નીકળ્યો હતો અને ટાટાના શો રૂમ પાસે ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના પગલે ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો અને અફરા-તફરી મચી ગઇ હતી. તે દરમ્યાન સ્થાનિકોએ અકસ્માત કરનાર નબીરાને ઝડપ્યો હતો. ઝડપાયેલો વ્યક્તિ અકસ્માત સમયે નશામાં ધૂત હોવાનું હાલ જાણવા મળ્યું છે. ગુસ્સા ભરાયેલા સ્થાનિકો દ્વારા નબીરાને ખુબ માર મારવામાં આવ્યો છે.
અકસ્માતનો ભોગ બનનાર યુવતીએ જણાવ્યું તે ઓફિસ જઇ રહી હતી તે દરમ્યાન ઓડી કારના ચાલકે તેને ટક્કર મારી હતી અને ઢસડી હતી. ચાલક નશામાં ધૂત હતો અને તેને કંઇ ભાન ન હતું. અકસ્માત કર્યા બાદ કારમાં બેઠાં બેઠાં સિગારેટ પી રહ્યો હતો. તેણે ફરી કાર ચલાવી હતી અને ટાટા મોટર્સના શો રૂમ પાસે અન્ય વાહનોને ટક્કર મારી હતી.