Ahmedabad Crime Branch arrested two gangsters Of Ravi Godara gang: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનની કુખ્યાત રવિ ગોદારા ગેંગ સામે મોટું એક્શન લીધું છે. ક્રાઈમ બ્રાન્ચે સાત કલાકના લાંબા અને સઘન ઓપરેશન બાદ ગેંગના બે શૂટરોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ ખંડણી, હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શૂટિંગ અને આર્મ્સ એક્ટ સહિત 20થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચે ગત 9 ફેબ્રુઆરીની મોડીરાતથી ઓપરેશન શરૂ કર્યું હતું. સતત નજર અને ટેક્નિકલ સર્વેલન્સ બાદ આજે વહેલી સવારે વાસણા-વેજલપુર રોડ પરથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓની ઓળખ રાજસ્થાનના કોટાના રહેવાસી અમન ઉર્ફે બચ્ચા અને સુહેબ ઉર્ફે ચિન્ટુ તરીકે થઈ છે. બંને આરોપી રાજસ્થાનની કુખ્યાત રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે. તેઓ ગુજરાતમાં ખંડણીનું નવું નેટવર્ક શરૂ કરવાની તૈયારીમાં હતા અને તેના માટે ટાર્ગેટ શોધી રહ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી લીધા બાદ તેમની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ બંને આરોપીઓને કોટા પોલીસને સોંપવામાં આવશે.

કોણ છે કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારા?
રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારા, જેનું સાચું નામ રાવતરામ સ્વામી છે, બિકાનેરના લુંકરનસરનો રહેવાસી છે. ગુનાહિત જગતમાં તેનું નામ અનેક સનસનાટીભરી હત્યાઓ સાથે જોડાયેલું છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા, કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેદીની ઘરમાં ઘૂસીને હત્યા અને સીકરના ગેંગસ્ટર રાજુ તેહતની હત્યાના કેસોમાં તેને માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.

રોહિત ગોદારા સામે દેશભરમાં 40થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. પોલીસ કાર્યવાહીથી બચવા માટે તે 13 જૂન 2022ના રોજ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને દિલ્હીથી દુબઈ ફરાર થયો હતો. હાલ તેનું નેટવર્ક પોર્ટુગલ અને કેનેડાથી સંચાલિત થતું હોવાનું જાણવા મળે છે. તે ગોલ્ડી બ્રાર સાથે મળીને રાજસ્થાન-પંજાબ સંગઠિત ગુનાની કડીમાં એક મહત્વપૂર્ણ કડી ગણાય છે. ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી ગુજરાતમાં ગુનાહિત ગેંગોના નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે.