Ahmedabad: નવરાત્રિના પાવન દિવસોમાં દેશભરમાં ધાર્મિક સૂત્રોને લઈને વિવાદ ગરમાયો છે. “આઈ લવ મોહમ્મદ” અને “આઈ લવ મહાદેવ” નામે શરૂ થયેલા પોસ્ટર યુદ્ધે હવે અમદાવાદ સહિતના અનેક શહેરોમાં કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. શહેરના જુહાપુરા, વેજલપુર અને વિશાલા ટ્રાફિક ચોકી પાસે જાહેર સ્થળોએ “આઈ લવ મોહમ્મદ” લખેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોને લઈને શહેર પોલીસ સક્રિય થઈ છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રાખી રહી છે.
કાનપુરથી શરૂ થયો વિવાદ, દેશભરમાં ફેલાયો
આ સમગ્ર વિવાદની શરૂઆત ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી થઈ હતી. 5 સપ્ટેમ્બર, 2025ના રોજ કાનપુરના રાવતપુરના સૈયદ નગર વિસ્તારમાં “આઈ લવ મોહમ્મદ” લખાયેલો બોર્ડ જાહેર રસ્તા પર લગાવવામાં આવ્યો હતો. પોલીસે બોર્ડ ખોટી જગ્યાએ લગાવાયો હોવાને કારણે હટાવ્યો, પરંતુ તેને લઈ અફવાઓ ફેલાતા વાતાવરણ ગરમાયું. ત્યારબાદ 10 સપ્ટેમ્બરે કેસ નોંધાયો, પરંતુ આ કેસને કેટલાક લોકોએ “આઈ લવ મોહમ્મદ” સૂત્ર વિરુદ્ધનો કેસ કહીને પ્રચાર કર્યો. પરિણામે સામાજિક તણાવ ફેલાયો અને ઘણા વિસ્તારોમાં પ્રતિક્રિયાઓ જોવા મળી.
ઉત્તર પ્રદેશમાંથી શરૂ થયેલો આ વિવાદ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાણા સુધી ફેલાઈ ગયો છે. ઉત્તરાખંડના કાશીપુરમાં આ મુદ્દે મોટા હોબાળા બાદ પોલીસે ત્રણ નામાંકિત તથા 500થી વધુ અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધાવ્યો છે.
ગુજરાતમાં ઉગ્રતા, ગોધરા અને બહિયલમાં હિંસક ઘટનાઓ
ગુજરાતમાં આ વિવાદને કારણે ગોધરા અને ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં ગંભીર હિંસક બનાવો બન્યા છે. નવરાત્રિના ગરબા ઉત્સવ દરમિયાન બહિયલ ગામમાં પથ્થરમારો અને આગચંપી થઈ હતી. આરોપ છે કે “આઈ લવ મોહમ્મદ” સૂત્ર સાથે ટોળાં દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં અનેક વાહનોને નુકસાન થયું અને બે દુકાનો બળી ગઈ હતી. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી, પરંતુ લોકોમાં તણાવ યથાવત રહ્યો. આ મામલે પોલીસે 83 લોકો સામે નામજોગ ફરિયાદ તેમજ 200થી વધુ અજાણ્યા લોકો સામે ગેરકાયદેસર મંડળી રચવાના ગુના દાખલ કર્યા છે.
મુંબઈ સુધી પહોંચ્યો વિવાદ, ગરબા પંડાલોમાં “આઈ લવ મહાદેવ”
વિવાદ માત્ર ઉત્તર ભારત કે ગુજરાત સુધી સીમિત નથી રહ્યો. તેની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. મુંબઈના આરે કોલોની વિસ્તારમાં નવરાત્રિના ગરબા પંડાલમાં મહિલાઓ “આઈ લવ મહાદેવ” લખેલા પોસ્ટર લઈને પહોંચી હતી. યુવતીઓ અને મહિલાઓ દ્વારા આવા સૂત્રો સાથે હાજરી આપવાથી આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.
વારાણસીમાં જગદગુરુ શંકરાચાર્ય નરેન્દ્રાનંદના નેતૃત્વમાં સંતોએ “આઈ લવ મહાદેવ” અભિયાન શરૂ કર્યું છે. મંદિરો અને મઠોમાં મહાદેવના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. સંત સમાજે ઘોષણા કરી છે કે તેઓ સનાતન સેના દ્વારા આ મુદ્દે કટ્ટરપંથી તત્વોને જવાબ આપશે.
અમદાવાદમાં પોલીસે ચાંપતી નજર રાખી
અમદાવાદ શહેરમાં વેજલપુર-જુહાપુરા અને પૂર્વ વિસ્તારમાં “આઈ લવ મોહમ્મદ” પોસ્ટરો લગાડાતા પોલીસ હરકતમાં આવી ગઈ છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારાયું છે અને પોલીસે અપીલ કરી છે કે લોકો અફવાઓમાં ન આવે. પોલીસનું કહેવું છે કે ધાર્મિક લાગણીને ભડકાવનાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે.
વિવાદ પાછળ ગેરસમજ
તપાસમાં બહાર આવ્યું છે કે “આઈ લવ મોહમ્મદ” સૂત્ર પોતે વિવાદનું કારણ ન હતું. વાસ્તવમાં, મામલો બોર્ડ ખોટી જગ્યાએ લગાડવાનો હતો. પરંતુ કેટલાક તત્વોએ તેને વિકૃત રૂપમાં રજૂ કરી લોકોમાં ગેરસમજ ફેલાવી. પરિણામે સમાજમાં તણાવ ઊભો થયો અને અનેક રાજ્યોમાં હિંસક બનાવો બન્યા.
હાલની સ્થિતિ
સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દાવો કરે છે કે પરિસ્થિતિ કાબુમાં છે. તેમ છતાં નવરાત્રિના દિવસોમાં વધતા ધાર્મિક સૂત્રોના આ વિવાદને કારણે સામાન્ય લોકોમાં ભય અને ગુંચવણનું વાતાવરણ છે. તંત્ર માટે સૌથી મોટી પડકાર એ છે કે આવનારા દિવસોમાં તહેવારો શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને કોઈ નવી અણધારેલી ઘટના ન બને.
આ પણ વાંચો
- K L Rahul: કેએલ રાહુલ મેદાનની વચ્ચે અમ્પાયર બન્યો! ખેલાડીઓ પેવેલિયન પાછા ફરવા લાગ્યા
- Paul biya: શું તેઓ ૯૯ વર્ષ સુધી સરકાર ચલાવશે? ૯૨ વર્ષીય નેતા ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે
- Amc: રોડ ગંદો કરવા બદલ ડમ્પરનો પીછો, RKC ઇન્ફ્રાએ સિંધુ ભવન રોડ પર ₹5 લાખનો દંડ ફટકાર્યો
- Zubeen garg: ‘તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે’, મુખ્યમંત્રી હિમંતા શર્માએ કહ્યું કે સિંગાપોર પોલીસનો સંપૂર્ણ સહયોગ
- શું virat Kohli એ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે? એક નિર્ણયથી “કિંગ” ના ચાહકોની ચિંતા વધી