Ahmedabad civil hospital સેવા-શુશ્રુષાનુ પર્યાય છે. ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યોના દર્દીઓ પણ અહિં સારવાર માટે આવે છે.સામાન્ય થી લઇ અસાધારણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પ્રખ્યાત છે. Ahmedabad civil hospitalમાં એક જ વર્ષ માં ઓટોઇમ્યુન રોગોના દર્દીઓને 7 કરોડ કરતા વધારેની રકમના IVIG (ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન) ઇંજેક્શનોની સારવાર નિ:શુલ્ક આપવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે , જ્યારે વ્યક્તિના શરીરમાં બહાર ના ચેપ સામે લડવા માટે જરુરી એવા રોગપ્રતિકારક શ્વેતકણો એટલે કે એન્ટીબોડી ભુલ થી પોતાના શરીરના જ કોઇ અંગ કે પેશીના કોષોને બહાર ના દુશ્મન ગણી તેને મારી નાંખે તેને ઓટોઇમ્યુન ડીસીઝ કહેવાય છે.શરીર ના અલગ અલગ અંગ કે કોષને જ્યારે આ રીતે પોતાના જ સૈનિક કણો મારી નાખે ત્યારે તે અંગ કે કોષની કામગીરી ખોટવાય છે.

IVIG એટલે ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન, હજારો સ્વસ્થ રક્તદાતાઓના પ્લાઝ્મામાંથી કાઢવામાં આવેલા એન્ટિબોડીઝ (ઇમ્યુનોગ્લોબ્યુલિન) હોય છે. IVIG નો ઉપયોગ વિવિધ ઓટોઇમ્યુન રોગની પરીસ્થિતીઓ જેવી કે જીબીએસ, માયેસ્થેનીયા ગ્રેવીસ, એનકેફેલાઇટીસ જેવા અમુક ન્યુરોલોજીકલ રોગો વિગેરે માં કરવામાં આવે છે.

IVIG રોગપ્રતિકારક પ્રતિભાવોને મોડ્યુલેટ કરીને, ઉભી થયેલ ઓટોએન્ટીબોડીને બેઅસર અથવા નિયંત્રિત કરી રોગની સારવારમાં મદદરુપ થાય છે.સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં વર્ષ ૨૦૨૪માં કુલ આવા 470 દર્દીઓ ને IVIG ઇમ્યુનોગ્લોબ્યુલીન ઇંજેક્શનો ની સારવાર કરી તેમનો જીવ બચાવવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ઉક્ત 470 માંથી 146 દર્દી અમદાવાદ ના, 246 દર્દી ગુજરાત ના બીજા જીલ્લાઓ ના તેમજ 78 જેટલા બીજા રાજ્ય ના દર્દીઓ ને પણ આ IVIG એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલીન ઇંજેક્શની નિ:શુલ્ક સારવાર સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા કરવામા આવી છે.

જાન્યુઆરી 2024 થી ડીસેમ્બર 2024 દરમ્યાન 2.5 ગ્રામ ના 4.47 કરોડ કરતા વધારે ના અને 5 ગ્રામ ના 2 કરોડ 70 લાખ કરતા વધારે ના ઇમ્યુનોગ્લોબ્યુલીન ઇંજેક્શનો રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે થી દર્દીઓ ને નિશુલ્ક આપવામાં આવ્યા છે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી એ જણાવ્યુ હતુ.