Ahmedabad: જાણીતા અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટરનો ઘોર બેદરકારીભર્યો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના કિડની ટ્રાન્સપ્લાન્ટ દર્દી લોકેશ બાલોદા પુત્ર મંગલ ચંદન આ સેન્ટર તરફથી માત્ર એક વેરિફિકેશન ઇમેઇલના જવાબની રાહ છેલ્લા એક મહિનાથી જોઈ રહ્યાં છે, પરંતુ કોઈ જવાબ હજુ સુધી મળ્યો નથી. જેના કારણે દર્દીને મુખ્‍યમંત્રી આયુષ્માન આરોગ્ય (MAA યોજના) હેઠળ મળતી સરકારી સહાય રકમ હજી સુધી મળી શકી નથી.

માહિતી મુજબ, તારીખ 09 સપ્ટેમ્બર 2025ના રોજ રાજસ્થાન સ્ટેટ હેલ્થ એશ્યોરન્સ એજન્સી (RSHAA), જયપુરના વધારાના મુખ્ય કાર્યકારી અધિકારી સુરેશકુમાર મીના દ્વારા IKDRC ને ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો.
આ ઇમેઇલમાં દર્દીના ટ્રાન્સપ્લાન્ટની વિગત — ભરતી તારીખ, ટ્રાન્સપ્લાન્ટ તારીખ, ડિસ્ચાર્જ તારીખ અને કુલ બિલ રકમની પુષ્ટિ કરવા વિનંતી કરવામાં આવી હતી. સાથે જ ડિસ્ચાર્જ સમરી અને બિલની સ્કેન કોપી પણ જોડવામાં આવી હતી, છતાં હૉસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

આ મુદ્દાને લઈને કિડની ડાયાલિસિસ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ફાઉન્ડેશનના મહેશ દેવાણીએ પણ ગુજરાતના વધારાના આરોગ્ય સચિવ અને આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સચિવને લેખિતમાં ફરિયાદ કરી છે, પરંતુ હજી સુધી કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી. માહિતી મુજબ IKDRCના ડિરેક્ટરએ આ બાબતે પણ કોઈ પ્રતિસાદ આપ્યો નથી, જેના કારણે દર્દી અને તેના પરિવારની મુશ્કેલી વધી રહી છે.

દર્દીએ વ્યાજ પર પૈસા લઈ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું, અને હવે માત્ર હોસ્પિટલ તરફથી એક લાઇનની પુષ્ટિ મળવાથી તેની સરકારી સહાય રકમ તાત્કાલિક મળી શકે છે. આવા સંવેદનશીલ આરોગ્ય મામલામાં સંસ્થાનું આ વલણ માત્ર પ્રશાસનિક ઉદાસીનતા નહીં, પણ ગરીબ દર્દીઓ પ્રત્યેની અસંવેદનશીલતાનું પણ ઉદાહરણ છે.

જનહિતમાં માંગ કરવામાં આવે છે કે, આરોગ્ય વિભાગ અને IKDRC પ્રશાસન તાત્કાલિક હસ્તક્ષેપ કરે, બાકી રહેલી વેરિફિકેશન રિપોર્ટ રાજસ્થાન એજન્સીને મોકલે અને આવા કેસોમાં જવાબદારી નક્કી કરે.

આ પણ વાંચો