Ahmedabad : મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા ઈમ્પેક્ટ ફીની સમયમર્યાદા વધુ 6 મહિના માટે લંબાવવામાં આવી છે. જેમાં અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 75 હજાર અરજી આવી છે. ઇમ્પેક્ટ ફીના નવા સુધારા સાથેના વટહુકમ બાદ અમદાવાદના સાત ઝોનમાં 75973 અરજીઓ આવી છે.

જેમાંથી માત્ર 21651 અરજીઓનો નિકાલ થયો છે. જ્યારે 44191 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. જ્યારે હજુ 10102 અરજીઓ અંગે કાર્યવાહી જારી છે તેથી ગ્રૂડા સેલના કોન્ટ્રાક્ટ ઉપર રખાયેલાં કર્મચારીઓની મુદત વધારવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે.

મ્યુનિ. સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં થયેલાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા રાજ્ય સરકારે જાહેર કરેલાં ઇમ્પેક્ટ ફીના કાયદા અંતર્ગત ગેરકાયદે બાંધકામની અરજીઓની ચકાસણી કરી ઇમ્પેક્ટ ફીની ગણતરી કરી વસૂલાત માટે મ્યુનિ. એસ્ટેટ ખાતામાં ગ્રૂડા સેલની રચના કરવામાં આવી છે, જેમાં જરૂરિયાત મુજબના કર્મચારીઓને કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવ્યા છે.

સ્ટે.કમિટી ચેરમેને કહ્યું કે, જે અરજીઓ વિવિધ કારણોસર નામંજૂર કરવામાં આવી છે, તેમાંથી સરકારી-મ્યુનિ. જમીન ઉપર થયેલાં ગેરકાયદે બાંધકામોને બાદ કરતાં અન્ય ગેરકાયદે બાંધકામોને કાયદેસર થઇ શકતાં હોય તો અરજી કરનારાઓને જાણ કરી બોલાવી જરૂરી પુરાવા વગેરે મેળવવા અને ઇમ્પેક્ટ ફી વસૂલ કરવા સૂચના આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે, ઇમ્પેક્ટ ફીનો કાયદો જાહેર થયાં પછી પણ જે લોકો ઇમ્પેકટ ફી ભરવા આગળ ના આવતાં હોય અથવા તો તેમના ગેરકાયદે બાંધકામો કાયદેસર થઇ શકે તેમ ના હોય તેવા બાંધકામોની યાદી બનાવી ઝોનવાઇઝ તોડફોડ શરૂ કરવાની તાકીદ એસ્ટેટ-ટીડીઓ ખાતાને કરવામાં આવી છે.

ક્યાં કેટલી અરજી આવી?

ઈમ્પેક્ટ ફી માટે સાઉથ ઝોનથી સૌથી વધુ 14540, વેસ્ટ ઝોનમાંથી 12958 અને નોર્થ વેસ્ટ ઝોનમાંથી 11583 અરજી આવેલી છે. સૌથી ઓછી 535ની મંજૂરી સેન્ટ્રલ ઝોનમાંથી અને સૌથી વધુ નામંજૂર 7484 અરજી નોર્થ ઝોનમાંથી આવી છે.

આ પણ વાંચો..