Ahmedabad News: અમદાવાદ રેલ્વે સ્ટેશન પર મજૂરી માટે લાવવામાં આવેલા 11 સગીરોને બચાવી લેવામાં આવ્યા. પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર ચલાવવામાં આવી રહેલા માનવ તસ્કરી વિરોધી અભિયાન હેઠળ રેલવે પોલીસ ફોર્સ (RPF) એ સંયુક્ત ચેકિંગ ઝુંબેશ હેઠળ કાર્યવાહી કરી. આ અંતર્ગત Ahmedabad સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર આસનસોલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (નં. ૧૯૪૩૬) ના સવારે આગમન દરમિયાન જનરલ ક્લાસના કોચની તપાસ કરવામાં આવી.

આ દરમિયાન ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળથી મજૂરી માટે લાવવામાં આવેલા 10 છોકરાઓ અને એક છોકરી સહિત કુલ 11 સગીર બાળકો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા. તે બધાને બચાવી લેવામાં આવ્યા. આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તપાસ અને કાર્યવાહી માટે તમામ સગીરોને સરકારી રેલ્વે પોલીસ (GRP) અમદાવાદને સોંપવામાં આવ્યા હતા. RPF અમદાવાદના ચેતન કુમારે ટીમના સભ્યો – કેશુ ચૌધરી, રમેશ રબારી, નરેન્દ્ર ચૌધરી, રાકેશ સિંહ ચૌહાણ સાથે આ ઝુંબેશમાં ભાગ લીધો હતો. સ્વૈચ્છિક સંસ્થા બચપન બચાવો આંદોલનના સ્ટેટ કો-ઓર્ડિનેટર ઇન્દ્રજીત સિંહ, અમદાવાદ શાખાના અધિક્ષક ઘનશ્યામ પ્રજાપતિ અને પશ્ચિમ ઝોનના નોડલ ઓફિસર શીતલ પ્રદીપ અને દામિની પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.