ગુજરાત (ACB) એન્ટી કરપ્શન બ્યૂરોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વોર્ડ ઈન્સ્પેક્ટરને 9 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ભાડાની ઑફિસની આકારણી ઓછી કરવા પેટે 10 હજારની લાંચ માગી હતી. એસીબીએ સંજયકુમાર જયંતિભાઇ પટેલ (રહે. એ/202, વૃંદાવન હિલ્સ, રાયસણ, ગાંધીનગર મૂળ રહે. વાવ, તા. તલોદ, જિ. સાબરકાંઠા) ની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના આંબાવાડી ભુદરપુરા રોડ પર આવેલા અશ્વમેઘ એલીગન્સ પાર્ટ-1માં ઑફિસ ભાડે રાખનારા નાગરિક પાસે એએમસીના વૉર્ડ ઈન્સ્પેક્ટર સંજયકુમાર પટેલ લાંચ માગી હોવાની ફરિયાદ આવી હતી. ભાડે રાખેલી ઑફિસનો વર્ષ 2024-25નો પ્રોપર્ટી ટેક્સ ફરિયાદીએ ભરવાનો બાકી હતો. પ્રોપર્ટી ટેક્સની ભાડુઆત તરીકેની આકારણી નહીં કરવા આક્ષેપિત સંજય પટેલે પ્રથમ 10 હજારની લાંચ માગી હતી. રકઝકના અંતે 9 હજાર રૂપિયા લાંચ લેવા માટે સંજય પટેલ તૈયાર થયા હતા. એસીબી અધિકારીએ આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં સંજય પટેલ રૂપિયા 9 હજાર રૂપિયા સ્વીકારતા ઝડપાઈ જતા લાંચની રકમ કબજે લઈ તેમની ધરપકડ કરવામાં આવી છે.

લાંચ કેસમાં ઝડપાયેલા સંજય પટેલ વર્ષ 2012માં જુનિયર ક્લાર્ક કમ વૉર્ડ ઈન્સ્પેક્ટર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી લાગ્યા હતા. 8 વર્ષ સુધી તેમણે ગીતા મંદિર પાસે આવેલી જન્મ-મરણ અને લગ્ન નોંધણીની કચેરીમાં ફરજ બજાવી હતી. વર્ષ 2021થી સંજય પટેલ પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવે છે અને હાલ રૂપિયા 54 હજાર માસિક પગાર મેળવે છે.

સંજય પટેલ સામે લાંચ કેસની ફરિયાદ આપનારા જાગૃત્ત નાગરિક અગાઉ પણ એએમસીના એક ભ્રષ્ટાચારી બાબુ સામે અરજી કરી લડત આપી ચૂક્યા છે. લાંચિયા બાબુઓ સામે ફરિયાદ/રજૂઆત કરી ભ્રષ્ટાચાર સામે લડત આપનારા જાગૃત્ત નાગરિકોનું CARE પ્રોગ્રામ હેઠળ તાજેતરમાં 15 ઑગસ્ટ સ્વાતંત્ર્ય દિને એસીબી દ્વારા સન્માન કરાતા ભ્રષ્ટાચાર સામેની લડાઈ વધુ મજબૂત બની છે.

અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ સુ.શ્રી ડી. બી. ગોસ્વામી અને સ્ટાફે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જ્યારે એસીબી અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે. બી. ચુડાસમા સુપરવિઝન ઑફિસર રહ્યા હતા.