Ahmedabad સિવિલ હોસ્પિટલમાં માતા-પિતાને ચોકાવનારો કિસ્સો ફરી વખત સામે આવ્યો છે.વ્યવસાયે ડ્રાઇવર એવા ઠાસરાના દિલીપભાઈ શર્મા અને શર્મિષ્ઠાબેનના ૧૨ વર્ષના પુત્ર કૌશલ ને ૪ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ જમતી વખતે ખાવાની થાળીમાં સેફ્ટી પીન પડતાં ભૂલથી જમવાના કોળિયાની સાથે સેફટી પીન ગળામાં થઈ શ્વાસ નળીમા પહોંચી . જેથી ઉલટી અને ગળામાં દુખાવાની શરૂઆત થઈ હતી. ઠાસરા માં એક ખાનગી ક્લિનિકમાં કૌશલને લઈ જઇ એકસ રે કરાવતા શ્વાસનળીમાં જમણી બાજુએ સેફ્ટી પીન હોવાનું નિદાન થયું હતું. દર્દીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ રીફર કરવામાં આવ્યા.
દર્દીને કલિનીકલી સ્ટેબલ કર્યા બાદ પીડીયાટ્રીક સર્જરી વિભાગના વડા અને તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોશી તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉક્ટર રમીલા તેમજ એસોસિયેટ પ્રોફેસર ડૉક્ટર કિરણની ટીમ દ્વારા તારીખ ૧૦.૨૦.૨૪ નાં રોજ જટિલ એનેસ્થેસીયા સાથે બ્રોન્કોસ્કોપી કરી સફળતાપૂર્વક સેફ્ટી પીનને કૌશલ ની જમણી શ્વાસનળીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
ડો. રાકેશ જોષી એ જણાવ્યું હતું કે , ૧૨ વર્ષના કૌશલની જમણી શ્વાસનળીમાંથી ઓપરેશન કરી કાઢવામાં આવેલ પીન અત્યંત તિક્ષ્ણ હતી.જેથી ઓપરેશન દરમ્યાન ખૂબ જ સાવચેતી રાખવામાં આવી હતી.જેથી કરીને બાળકનાં શ્વાસનળીના નાજુક ભાગને નુકસાન ન થાય. ઓપરેશન પછી કોઇપણ બીજી તકલીફ ન રહેતા સ્વસ્થ જણાતા બાળક ને રજા આપવામાં આવી. વારંવાર હોસ્પિટલમાં આવતા આ પ્રકારના કિસ્સાઓ ઉપર થી માતાપિતા એ શિખ લેવાની અને ચેતવાની જરૂર છે તેમ ડૉ. જોષીએ અપીલ કરી છે.